જે કહેવું તે કરવું, ગ્રામીણ નાગરિકની રજૂઆતના ત્વરિત નિવારણનો સકારાત્મક અભિગમ દાખવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આદિજાતિ ગામના કાચા રસ્તાને ડામર સપાટીનો પાકો રોડ બનાવવા ૯૯.૫૦ લાખ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી : ઓગસ્ટ-૨૬ના રાજ્ય સ્વાગતમાં સાબરકાંઠાના તાલુકાના ગ્રામ્ય નાગરિકે ગામનો પાકો રસ્તો બનાવવા કરેલી રજૂઆતનું ત્રણ જ મહિનામાં નિવારણ
રાજકોટ તા.૫
સામાન્ય નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓના અસરકારક નિવારણ તરીકે ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સચોટ અને અસરકારક માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ઓગસ્ટ-૨૬ માસના રાજ્ય સ્વાગતમાં મળેલી આદિજાતિ વિસ્તારના ગ્રામીણ નાગરિકની ગામનો પાકો રસ્તો બનાવવાની રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામના કાચા રસ્તાને મેટલ સપાટીમાંથી ડામર રોડ બનાવવાના કામો માટે ૯૯.૫૦ લાખ રૂપિયા મંજૂર કર્યા છે. સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી-‘સ્વાગત’નો આ જન ફરિયાદ નિવારણ ઉપક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરૂ કરાવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ પરંપરાને આગળ ધપાવતા દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગતમાં સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળવા સાથે તેના યોગ્ય નિરાકરણની સૂચનાઓ પણ સંબંધિત વિભાગો-જિલ્લા તંત્રને આપતા રહે છે. ઓગસ્ટ-૨૬ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના નવાગામ ધનેલાના નાગરિક તુષારભાઈએ ભટેલા ગામના મેટલ રસ્તાનું કામ પૂરૂ કરી ડામર સપાટીનો પાકો રોડ બનાવી આપવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગ અને જિલ્લા કલેકટર પાસેથી આ રસ્તાના કામ અંગે સ્વાગત દરમિયાન જ વિગતો મેળવીને પોઝિટિવ એપ્રોચ સપનાવીને આ કામ ત્રણ મહિનામાં પૂરૂ કરી દેવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં.
મુખ્યમંત્રીએ આ કામ પૂરૂ કરવા માટેની જરૂરી નાણાંકીય મંજૂરીઓ પણ માર્ગ મકાન વિભાગને આપીને રૂપિયા ૯૯.૫૦ લાખ ઈમરજન્સી ટેન્ડર રોડ અન્વયે મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસમસ્યાઓના નિવારણ અને લોકહિતના કામો માટે ‘જે કહેવું તે કરવું’ની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેનું સ્વયં સ્પષ્ટ ઉદાહરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના આદિજાતિ વિસ્તારના વિજયનગરના ભટેલા ગામના પાકા રસ્તાની મંજૂરી આપીને પૂરૂ પાડ્યું છે.


