દિલ્હીમાં બાળ સંરક્ષણ અને સુરક્ષા માટે હવે આકરા પગલા લેવાશે
નવી દિલ્હી તા.૧ર:
દિલ્હી ખાતે બાળકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ કાર્ય યોજના ઘડી કાઢવામાં આવી છે. આ સંદર્ભે દિલ્હી બાળ અધિકાર સંરક્ષણ પંચ (DCPCR) સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બાળ સંરક્ષણથી લઈને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આર્ત્મનિભરતા જેવા વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીમાં દરેક બાળકને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ‘બાળ ભીખમુક્ત દિલ્હી‘ અભિયાનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવાનો ર્નિણય લેવાયો છે.
આ યોજના માત્ર બાળકોને શેરીઓમાંથી દૂર કરવા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ NGO, સ્થાનિક નાગરિક સંગઠનો અને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન્સ ના સહયોગથી બાળકોની ઓળખ કરી તેમના યોગ્ય પુનર્વસન અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. શાળાઓમાં બાળકોની સુરક્ષા વધારવાના ભાગરૂપે શિક્ષકો, ડ્રાઇવરો, કંડક્ટરો અને અન્ય સહાયક સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં બાળકોને જાતીય ગુનાઓથી બચાવતા POCSO કાયદા તેમજ સ્વાસ્થ્ય સુરક્ષા માટે HPV વાયરસ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
બેઠક દરમિયાન આંગણવાડી કેન્દ્રો, પાલના કેન્દ્રો અને બાળ સંભાળ સંસ્થાઓ (CCIs)માં આપવામાં આવતી સુવિધાઓની નિયમિત સમીક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંસ્થાઓમાં રહેતા બાળકોને યોગ્ય પોષણ, સંભાળ અને સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.


