દેવભૂમિ દ્વારકા : CISF દ્વારા સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬’’
(પ્રતિનિધિ દ્વારા) દ્વારકા તા.ર
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF) દ્વારા રાષ્ટ્રીય સલામતી અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬”નું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝાંખર પાટિયા ખાતેથી લીલીઝંડી આપી ફલેગઓફ કરવામાં આવ્યું હતું. આ તકે આયોજિત કાર્યક્રમમાં CISF યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને ઢોલના નાદ સાથે વધાવી હતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કિનારાની આ ટીમે ૨૮ જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું. આશરે ૬,૫૦૦ કિમી લાંબી આ યાત્રામાં કુલ ૧૩૦ જેટલા સાયકલોવીરો કે જેમાં ૫૦ ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ ‘સ્ત્રીશક્તિ’નું અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં CISFની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાયકલોથોનનો મુખ્ય આશય સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. આ તકે ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવતી, ડેપ્યુટી કમાન્ડન્ટ અચિર્ત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણ કુમાર, સ્થાનિક અગ્રણી સિદ્ધરાજસિંહ જાડેજા, કેસરજી ચુડાસમા સહિત સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.


