દ્વારકાધીશ જગત મંદિરે વસંતપંચમી ઉત્સવની ઉજવણી
ઠાકોરજીને સફેદ વસ્ત્રો સાથે સોના ચાંદીથી હિરાજડીત આભુષણનો અલૌકિક શિંગાર : દ્વારકાધીશને ધાણી દાળિયા ખજૂરનો ભોગ ધરાવવામાં આવ્યો - વસંતઋતુ થી લઈ ફાગણ હોળાષ્ટક સુધી ભગવાન દ્વારકાધીશને ગાલના ભાગે અબીલ ગુલાલથી ખેલાવાશે
દ્વારકા તા.ર૪
દ્વારકાધીશ જગત મંદિરે વસંત પંચમી ઉત્સવ પૂજારી પરિવાર અને ભાવિકો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઉત્સવ નિમીતે શ્રીજીને સફેદ કલરના વસ્ત્રો સાથે સોના ચાંદીથી હિરાજડીત આભુષણનો અલૌકિક શિંગાર કરાયો હતો. જગત મંદિર બપોરે ડોઢ થી અઢી વાગ્યા સુધી ભાવિકો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. વર્ષમાં એક જ ઉત્સવ છે જે વસંત પંચમી ઉત્સવના ભગવાન દ્વારકાધીશના દર્શન ભક્તો માટે મધ્યાનકાલે એક કલાક પૂરતો ખુલ્લા રાખવામાં આવે છે.
વસંત પંચમીના ઉત્સવ દરમ્યાન ભગવાન દ્વારકાધીશજીને મંદિરમાં ગર્ભ ગૃહમા પૂજારી પરિવાર દ્વારા એક આંબાનું વૃક્ષ ને રોપવામાં આવે છે. આજના દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. આજથી દ્વારકાધીશજીને શિંગાર આરતી તેમજ સંધ્યા આરતી સમયે ફુલડોલ ઉત્સવ સુધી શ્રીજીના ગાલના ભાગમાં પુજારી દ્વારા અબીલ ગુલાલથી ઠાકોરજીને ખેલાવામાં આવે છે. વસંતઋતુ થી લઈ ફાગણ હોળાષ્ટક સુધી ભગવાન દ્વારકાધીશને અબીલ ગુલાલથી પૂજારી પરિવાર દ્વારા ખેલાવતા હોય છે. વસંત પંચમી ઉત્સવ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ધાણી દાળિયા ખજૂરનો ભોગ ધરાવવામાં આવે છે. વસંત પંચમી નિમીતે ડોઢ વાગ્યે પૂજારી પરિવાર દ્વારા શ્રીજીને વિશેષ શણગાર સાથે મહાઆરતી કરવામાં આવી હતી. ઉત્સવ દર્શનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


