દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું : ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા
(પ્રતિનિધિ દ્વારા)
દેવભૂમિ દ્વારકા તા.30
યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ધર્મ સ્થળો સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા અનધિકૃતરીતે કોમર્શિયલ, રહેણાંક સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. જેની સામે તંત્રએ લાલ આંખ કરી અગાઉ ઓપરેશન ડિમોલિશન કર્યું હતું. આ પછી થોડા સમયના વિરામ બાદ આજે ગુરુવારે સવારથી જ સરકારી તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં દ્વારકામાં કેટલાક ધર્મ સ્થળો તેમજ અન્ય કાચા-પાકા બાંધકામ સહિતના દબાણોને દૂર કરવામાં માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે સવારથી દ્વારકા નગરપાલિકા હેઠળના રૂપેણ બંદર વિસ્તારમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ દ્વારા સુનિયોજિત રીતે જરૂરી પ્રક્રિયા સંપન્ન કરીને જેસીબી જેવા સાધનોની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી. જેમાં કેટલાક ધર્મસ્થળો વિગેરેના કાચા-પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

આ દબાણ દૂર કરી અને સરકારી માલિકીની કિંમતી એવી હજારો ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દેશના વિશાળ અને સંવેદનશીલ એવા દ્વારકા જિલ્લાના દરિયા કિનારામાં અગાઉ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલવા પામી હતી. જેથી દેશની સુરક્ષા માટે આ પગલું મહત્વનું હોવાનું પણ કહેવાય છે. આજથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનના વધુ એક રાઉન્ડમાં આ પ્રક્રિયા ત્રણ-ચાર દિવસ ચાલે તેવી સંભાવનાઓ પણ જાેવા મળી રહી છે. આજરોજ દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં સર્વે નંબર 32માં આવેલ અંદાજિત ચોરસ મીટર 232 જેટલું ધાર્મિક દબાણ કે જેની કિંમત અંદાજિત 40 લાખ 60 હજાર જેટલી થાય છે તે દૂર કરવામાં આવેલ છે. તેમજ દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સર્વે નંબર 34 માં અંદાજિત 300 ચોરસ મીટર જેટલું ધાર્મિક દબાણ કે જેની અંદાજિત કિંમત 52,50,000 જેટલી થાય છે તે દૂર કરવામાં આવેલ છે. આમ કુલ 532 ચોરસ મીટરનું દબાણ કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત રૂા.93,10,000 જેટલી થાય છે જે દૂર કરવામાં આવે છે


