‘બાઉન્સ બેક ક્યાંથી?’ કેટરિના કૈફે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
દીકરાના જન્મ બાદ શરીર અંગે થતી ટીકાઓ પર કેટરિનાએ તોડ્યું મૌન; કહ્યું- મહિલાઓ પર તરત ફિટ થવાનું દબાણ અયોગ્ય, પતિ વિકી કૌશલને ગણાવ્યો અદ્ભુત જીવનસાથી
મુંબઈ, તા. 29
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે બાળકના જન્મ બાદ મહિલાઓના શરીરમાં આવતા ફેરફારો અંગે ટિપ્પણી કરનારા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. બાળકના જન્મ પછી મહિલાઓએ તરત જ પહેલાં જેવું શરીર મેળવી લેવું જોઈએ તેવી અપેક્ષાઓ સામે સવાલ ઉઠાવતાં કેટરિનાએ કહ્યું, “બાઉન્સ બેક? ક્યાંથી?” અભિનેત્રીએ માતૃત્વ, શારીરિક ફેરફારો અને અંગત જીવન અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું કે તે અન્ય લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે પોતાની ફિટનેસને લઈને ઉતાવળ કરવા માગતી નથી.
‘વોગ’ સાથેની વાતચીતમાં કેટરિનાએ બાળકના જન્મ બાદ મહિલાઓના દેખાવ અંગે કરવામાં આવતી ટીકાઓ અને વ્યક્તિગત જીવન તથા કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. સપ્ટેમ્બરમાં અંબાણી પરિવારના ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કેટરિનાને સોશિયલ મીડિયા પર તેના દેખાવને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અભિનેત્રીનું કહેવું છે કે તે લોકોના બદલાતા અભિપ્રાયોથી પ્રભાવિત થવાને બદલે માતૃત્વના આ ખાસ તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
કેટરિનાએ જણાવ્યું હતું કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જ્યાં લોકોના બદલાતા અભિપ્રાયો આપણને ગમે ત્યાં ખેંચી જવાનો પ્રયાસ કરે છે. બાળકને જન્મ આપ્યા બાદ મહિલાના શરીરમાં શારીરિક ફેરફારો થાય છે તે હકીકત સૌ જાણે છે. તેમ છતાં જો કોઈ મહિલાના શરીર અંગે કઠોર ટિપ્પણીઓ કરે છે, તો કેટરિનાના મતે તે અજ્ઞાનતા કરતાં વ્યક્તિની પોતાની પસંદગી વધુ છે.
અભિનેત્રીનું માનવું છે કે માતૃત્વ જીવનનો એક સ્વાભાવિક અને મહત્ત્વપૂર્ણ તબક્કો છે, જેને પાછળ છોડવાની જરૂર નથી. તેના માટે માતા બનવું જીવનમાં આગળ વધવાનું એક પગલું છે. તેથી અન્ય લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફિટનેસ મેળવવાનો કોઈ ઇરાદો નથી.
પુત્રને પહેલીવાર જોવાની લાગણી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી
કેટરિના માટે માતા બનવાનો અનુભવ અત્યંત અંગત અને ભાવનાત્મક રહ્યો છે. પોતાના પુત્રને પહેલીવાર જોયાની ક્ષણને યાદ કરતાં તેણે પતિ વિકી કૌશલ સાથે પરિવાર શરૂ કરવાની સફર વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે બાળકના જન્મ પછીના શરૂઆતના દિવસોમાં પુત્રનો ચહેરો જોવો અને તેને પોતાના તથા વિકીના ચાર વર્ષના સફરનું પરિણામ સમજવું એવી લાગણી હતી, જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે.
કેટરિના પોતાની ફિટનેસ પ્રત્યે સભાન છે, પરંતુ તે આ બાબતને લઈને પોતાના પર બિનજરૂરી દબાણ ઊભું કરવા માગતી નથી. તેને ખબર છે કે તેનું શરીર જ્યારે સૌથી વધુ સ્વસ્થ અને ઊર્જાવાન હોય છે ત્યારે કેવું લાગે છે. જોકે, તે સ્થિતિ સુધી પહોંચવા માટે તેણે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. કેટરિનાના કહેવા પ્રમાણે, તે પોતાની ગતિએ ફિટનેસની સફર આગળ વધારશે અને શરીરને સ્વસ્થ રાખવા માટે જે જરૂરી હશે તે કરશે.
વિકી કૌશલને ગણાવ્યો અદ્ભુત જીવનસાથી
કેટરિનાએ પતિ વિકી કૌશલ વિશે પણ પ્રેમભર્યા શબ્દોમાં વાત કરી હતી. તેણે વિકીને એક અદ્ભુત જીવનસાથી ગણાવતાં કહ્યું કે તે તેને પોતાની જાત બનવાની સ્વતંત્રતા આપે છે અને તેની વાત ધ્યાનથી સાંભળે છે. કેટરિનાએ વિકના પારિવારિક મૂલ્યો અને પ્રામાણિકતાનાં પણ વખાણ કર્યા હતા.
મજાકિયા અંદાજમાં અભિનેત્રીએ કહ્યું હતું કે વિકી વ્યવહારમાં સમજદાર છે, જ્યારે તે પોતાને માત્ર સિદ્ધાંતમાં સમજદાર માને છે. આ સાથે તેણે પિતા તરીકે વિકીની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.
કેટરિનાના આ નિવેદનથી માતૃત્વ બાદ મહિલાઓના શરીર અંગે રાખવામાં આવતી અપેક્ષાઓ અને સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. અભિનેત્રીનો સંદેશ સ્પષ્ટ છે કે બાળકના જન્મ પછી દરેક મહિલાની શારીરિક અને માનસિક સફર અલગ હોય છે. તેથી કોઈ ચોક્કસ સમયમર્યાદામાં પહેલાં જેવું દેખાવાનું દબાણ ઊભું કરવાને બદલે મહિલાઓને પોતાની ગતિએ આગળ વધવાની તક આપવી જોઈએ.


