માંગરોળ કરાળપા સીમમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા

ખેડૂતના ૫૦ હજારના રોપા ઉપાડી ગયા, ત્રોફા પણ કપાયા

માંગરોળ કરાળપા સીમમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા

(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા. ૩૧
જુનાગઢ જિલ્લાના માંગરોળ મકતુપુર સીમના કરાળ પા વિસ્તારમાં આજે ધોળા દિવસે તસ્કરોએ વાડી વિસ્તારમાંથી ૫૦૦ જેટલા નાળિયેરીના રોપા અને ત્રોફાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. માંગરોળ કરાળ પાથી મકતુપુર તરફ જતા અહમદ ભાઈ ની વાડીએ આજે શુક્રવારે વાડીએ કોઈ પણ હાજર ના હોય તેનો લાભ લઈને તસ્કરો આવી ચડેલ જેઓ આડથી દસની ટોળકી હોવાનું અનુમાન લગાવાય છે. તસ્કરોની ટોળકી બગીચામાં અંદર સુધી બેફામ રીતે આવીને પાંચસો જેટલા નાળિયેરીના રોપા ઉપાડી ટ્રેક્ટર ભરીને પલાયન થઈ ગયેલ હોવાનું અનુમાન લગાવાય છે. એટલુ જ નહી  ચોરી દરમિયાન બાજુના બગીચામાંથી ત્રોફા પાડીને પીધા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાથી ખેડૂતોમા ફફડાટ ફેલાયો છે. ખરી મહેનતના અંતે તૈયાર થયેલ મોટી માત્રામાં રોપ ચોરાઈ જતા ખેડૂતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે પોલીસ તંત્ર આ બાબતે સધન તપાસ અને પેટ્રોલીંગ કરી તસ્કરોને જેલ હવાલે કરી તેવી ઉગ્ર માંગ ઉઠી છે.