મુસ્લિમ નાટો બનાવવા પાકિસ્તાન-સાઉદી-તુર્કીયે વચ્ચે રક્ષા કરાર પર હસ્તાક્ષર
(એજન્સી) ઈસ્લામાબાદ તા.૦૮
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ ‘મુસ્લિમ નાટો’ની દિશામાં મોટું પગલું ભર્યું છે. ત્રણેય દેશોએ શુક્રવારે એકબીજાની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવા માટે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આને ‘મક્કા જોઈન્ટ ડિફેન્સ પેક્ટ’ કહેવામાં આવી રહ્યું છે.
કરાર મુજબ, જો ત્રણેયમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય છે, તો તેને ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે.
આ કરાર પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત સંરક્ષણ શિખર સંમેલન દરમિયાન હસ્તાક્ષર કર્યા.
કરાર હેઠળ, ત્રણેય દેશો પરસ્પર સંરક્ષણ સહયોગ વધારશે. આ માટે સંયુક્ત સૈન્ય તાલીમ, સુરક્ષા સંબંધિત માહિતીની આપ-લે અને સુરક્ષા સંકલન વધારવા પર કામ કરવામાં આવશે. સાથે જ ત્રણેય દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ પણ મજબૂત કરવામાં આવશે.


