યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવા માસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા, પિતૃ તર્પણ કરવા માનવ મહેરામણ ઉમટે છે
ગિરનારની સમીપે આવેલ પિતૃતર્પણનું પવિત્ર સ્થાન એટલે કે સૌ વાર કાશી એકવાર પ્રાચી
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવા માસ દરમિયાન મોક્ષ પીપળે પાણી રેડવા, પૂજા અર્ચના, પિતૃ તર્પણ કરવા માટે માનવ મહેરામણ ઉમટે છે સાથે સાથે પિતૃઓને પીપળે પાણી રેડવાનું અનેરૂ મહત્વ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવા માસ દરમિયાન રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટે છે. મોક્ષ પીપળે ઓમ સર્વે પિતૃભયોનમ: બોલી પિતૃઓના આત્માને શાંતિ માટે પોત પોતાના પિતૃઓનું નામ લઈને મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓને આત્માને શાંતિ માટે ૧૦૮ પ્રદિક્ષણા ફરીને પુણ્યનું ભાથું બાંધે છે. આ તીર્થ સ્થાનનું પણ અનેરૂ મહત્વ હોય છે પૂનમ, અગિયારસ, અમાસ, આ દિવસે દાનનું પણ અનેરૃ મહત્વ રહ્યું છે. જેનું અનેક ઘણું ફળ મળે છે અને પિતૃદોષ નિવારણ માટે ઉત્તમ દિવસ ગણાય છે. પ્રાચી તીર્થના ભુદેવો દ્વારા જણાવ્યા મુજબ પ્રાચી તીર્થની પવિત્ર ભૂમિ ઉપરથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી વહે છે જે જગતની એક માત્ર નદી છે જે પૂર્વ દિશામાં સૂર્યની સામે વહે છે. જેથી આ પવિત્ર સરસ્વતી નદીને પૂર્વ વાહીની નદી કહેવાય છે. આ પ્રાચી તીર્થની ભૂમિ ઉપર ધર્મરાજ યુધિષ્ઠિરે પિતૃ તર્પણ કર્યું હતું. આ તીર્થ ક્ષેત્રમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી અને ધર્મરાજાએ વાવેલા મોક્ષ પીપળાને પાણી રેડવાથી પિતૃ તર્પણનું કાશી કરતા પણ અન્નતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતપુરાણ મુજબ શ્રદ્ધકાર્ય કે મૃતક પાછળ આત્માન મુક્તિ અર્થે થતા કર્મકાંડ માટે ના ઉત્તમ સ્થળોમાં પ્રભાસક્ષેત્ર સ્થાન પામે છે. આ પ્રભાસક્ષેત્રમાં દ્વારક, સોમનાથ અને પ્રાચી તીર્થનો સમાવેસ થાઈ છે. આ પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળા નીચે ભગવાન શ્રી કૃષ્ણએ યદુકુળનો મોક્ષ કર્યો હતો. તેમજ આ મોક્ષ પીપળા નીચે શ્રી મહાપ્રભુજી ભગવાને ઉધ્ધવને છેવટનું જ્ઞાન આપ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી પ્રાચીથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી કિનારે માધવરાયજી સ્વરૂપે પ્રગટ થયા હતા. જે હાલ સરસ્વતી કિનારે જાંબુડાના ઝાડ નીચે બિરાજમાન છે. હાલમાં પણ સરસ્વતી નદીમાં નવા નીર આવે એટલે સરસ્વતી નદી માધવરાયજી તેમજ લક્ષ્મીજીના ચરણ સ્પર્શ કરી આગળ વધે છે. જેથી ચોમાસાના ત્રણથી ચાર મહિના માધવરાયજી પ્રભુ જળમગ્ન રહે છે. તેમજ પ્રાચી તીર્થમાં ઘણા નાના મોટા મંદિરો છે. જેમાં સરસ્વતી ઘાટ ઉપર અન્નપૂર્ણા માતાજી તેમજ વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. તેમજ સરસ્વતી નદી કિનારે પાંડવો વખતના છ છ શિવ મંદિર આવેલા છે. જેમાં વિઠલેશ્વવર મહાદેવ, દેવ દેવેશ્વર મહાદેવ, ગોવિંદેશ્વર મહાદેવ, અર્જુનેશ્વર મહાદેવ, શિદ્ધેસ્વર મહાદેવ અને પૃથવેશ્વર મહાદેવના મંદિર આવેલા છે. જે યાત્રીઓ માટે અતિ પ્રચલિત છે. પ્રાચી તીર્થની પવિત્ર ભૂમિ ઉપર પિતૃ માસ નિમિત્તે ગુજરાતભરમાંથી પોતાના પિતૃના મોક્ષર્થે પ્રાચી તીર્થ ક્ષેત્રમાં ભારે ધસારો રહે છે. જેમાં ચૈત્ર માસ, કારતક માસ, ભાદરવો માસ, શ્રાવણ માસમાં પિતૃ કાર્ય માટે અતિ પ્રચલિત હોવાથી માનવ મેદની ઉમટે છે. પિતૃઓના મોક્ષર્થે ભાદરવ માસ દરમિયાન અનેરૂ મહત્વ હોવાથી મોક્ષ પીપળે પાણી રેડવા અને પિતૃ કાર્ય કરાવવા માટે દૂર દૂરરથી ભાવિકો ઉમટશે. તેમજ આ પ્રાચી તીર્થના બ્રાહ્મણો દ્વારા પિતૃ મોક્ષર્થે વિધિ કરાઈ છે. જેમાં નારાયણ બલી, પ્રેત બલી, બભૃ શ્રાદ્ધ, લિલ કાર્ય, ત્રીપિંડી, સર્વે પિતૃ શ્રાદ્ધ, કાલ સર્પ યોગ વગેરે કર્મકાંડ વિધિ થાઈ છે અને બહારથી આવતા યાત્રીઓ માટે રહેવા માટે દરેક સમાજની વાડીઓ છે. જેમાં કોળી સમાજ, લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ, સાધુ સમાજ, કારડીયા રાજપૂત સમાજ, આહીર સમાજ, લુહાર સમાજ, બાબર સમાજ, સાગર ભુવન, મહીયા દરબાર સમાજ, દશનામ સમાજ, ધમ વાડી વગેરે સમાજની ધર્મશાળાઓ હોવાથી યાત્રીઓને રહેવાની તેમજ વિધિ કરવા માટેની અનુકૂળ જગ્યા મળી રહી છે. પ્રાચી તીર્થમાં યાત્રીઓનો ધસારો વધુ રહેતો હોવાથી નાના મોટા વેપારીઓ પોતાની રોજી રળવા પ્રાચી તીર્થમાં નાના મોટા સ્ટોલ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમજ પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળે પાણી રેડવા આવતા યાત્રી માટે પાણીની વ્યવસ્થા બ્રહ્મ સમાજ તથા સાધુ સમાજ દ્વારા કરવામાં આવે છે. તેમજ પ્રાચી તીર્થમાં પધારતા યાત્રીઓ સરસ્વતી ઘાટમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પૂજા અર્ચના કરી પિતૃઓના મોક્ષર્થે દાન દક્ષિણા આપી પુણ્યનું ભાથું બાંધે છે. ભાદરવા માસ નિમિત્તે ભાવ ભક્તિ કરતા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી પોતાની ધન્યતા અનુભવે છે.


