રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી
(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.૧પ
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી. આ મુસાફરીમાં લેડી ગવર્નર દર્શના દેવીજી પણ જાેડાયા હતા. રાજ્યપાલએ હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓની ટિકિટ બુક કરાવવામાં આવી હતી. ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલ ગાંધીનગર રાજભવનથી અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. સવારના સમયે અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુજરાતના રાજ્યપાલ આવ્યા હોવાની જાણ થતા મુસાફરો પણ આશ્ચર્યચકિત થયા હતા. તો બીજી તરફ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પણ રાજ્યપાલ અને લેડી ગવર્નરનું સ્વાગત કરી મુસાફરી માટે આવકાર્યા હતા.


