રાજસ્થાનમાં ખેડુતને પાક વિમાની રકમ નહીં મળતા ખેતરમાં પ૦૦-પ૦૦ની નોટો વાવી દીધી
(એજન્સી) નાગોર તા.૨૮:
રાજસ્થાનના નાગૌર જિલ્લાના દેવરિયા જાટાન ગામમાં રહેતા ખેડૂત મલ્લારામ બાવરી હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તેનું કારણ છે તેમનો વિરોધ કરવાની અનોખી રીત, જેણે પ્રશાસન અને વીમા કંપનીઓની કાર્યશૈલી પર અનેક સવાલ ઊભા કર્યા છે. મલ્લારામ બાવરીએ પાક વીમા ક્લેમ નહીં મળતા નારાજ થઈને પોતાના ખેતરમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટો વાવી દીધી હતી. ગામલોકો અને સોશિયલ મીડિયા પર લોકો તેને ખેડૂતની પીડા અને વ્યવસ્થાની નિષ્ફળતાનો વિરોધ ગણાવી રહ્યા છે. ખેડૂત દ્વારા ખેતરમાં નોટ વાવવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો વધારે ચર્ચામાં આવ્યો છે.પાક વીમો કરાવ્યો હોવા છતાં ખેડૂતને કોઈ રાહત મળી નહીં. વરસાદથી નુકસાન થયા બાદ તેમણે વીમા કંપનીને ટોલ ફ્રી નંબર પર ફરિયાદ નોંધાવી હતી. પણ કેટલાય દિવસ સુધી કોઈ અધિકારી ઘટનાસ્થળે નિરીક્ષણ કરવા આવ્યા નહીં. મલ્લારામનું કહેવું છે કે તેઓ સતત બેન્ક, વીમા કંપની અને કૃષિ વિભાગના ચક્કર કાપતા રહ્યા. પણ તેમને કંઈ મળ્યું નહીં. ફરિયાદો પર કાર્યવાહી ન થતા અને વળતર ન મળતા તેમણે ખેતરમાં નોટ વાવીને વિરોધ નોંધાવ્યો હતો.


