રશિયા-ચીન સંબંધોમાં તણાવની આશંકા: ચીની કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાથી ખળભળાટ
પુતિનની બેઇજિંગ મુલાકાત પહેલાં બ્લેક સીમાં હુમલો, યુક્રેન તરફ જતા નાગરિક જહાજને નિશાન બનાવાયું
નવી દિલ્હી, તા.19
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ચીન મુલાકાત પહેલા બ્લેક સીમાં બનેલી ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે. યુક્રેન તરફ આગળ વધી રહેલા બે નાગરિક કાર્ગો જહાજો પર રશિયન ડ્રોન હુમલો થયો હોવાના આક્ષેપ થયા છે. તેમાં એક જહાજ ચીની કંપનીની માલિકીનું હોવાનું સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.
યુક્રેનના બંદર સત્તાધિકારીઓ મુજબ, હુમલો ઓડેસા નજીકના દરિયાઈ માર્ગ પર થયો હતો. માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચાલી રહેલું ‘KSL ડેયાંગ’ નામનું જહાજ અને ગિની-બિસાઉના ધ્વજવાળું બીજું જહાજ આ હુમલાની ઝપેટમાં આવ્યા હતા. યુક્રેનિયન નેવીનો દાવો છે કે રશિયાના ‘શાહેદ’ ડ્રોન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટોમાં જહાજના ભાગમાં આગ અને નુકસાનના નિશાન જોવા મળ્યા હતા. જોકે, હુમલા દરમિયાન જહાજમાં રહેલા ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે અને કોઈ જાનહાનિ થઈ નથી. બાદમાં જહાજ પોતાની સફર માટે આગળ વધ્યું હતું.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ ઘટનાને લઈને રશિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સમુદ્રમાં કયા દેશનું જહાજ હતું તેની જાણ હોવા છતાં હુમલો કરાયો હતો.
અહેવાલો અનુસાર, હુમલા સમયે ‘KSL Dayang’ ખાલી હતું અને ઓડેસા નજીકના બંદરેથી આયર્ન ઓર ભરવા જઈ રહ્યું હતું. છેલ્લા કેટલાય મહિનાથી રશિયા યુક્રેનના બંદરો અને નિકાસ વ્યવસ્થાને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ આ વખતે ચીની હિત જોડાતા મામલો વૈશ્વિક રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તે ઉપરાંત યુક્રેન પર રાત્રિ દરમિયાન મોટા પાયે હુમલાઓ પણ નોંધાયા હતા. યુક્રેનિયન અધિકારીઓએ દાવો કર્યો કે રશિયાએ સૈંકડો ડ્રોન અને અનેક મિસાઇલો દ્વારા વિવિધ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
ચીન અત્યાર સુધી યુક્રેન-રશિયા યુદ્ધ મામલે પોતાને તટસ્થ તરીકે રજૂ કરતું આવ્યું છે અને શાંતિપૂર્ણ વાતચીતની અપીલ કરતું રહ્યું છે. પરંતુ હવે ચીની માલિકીના જહાજને નિશાન બનાવાયાની ઘટનાએ શી જિનપિંગ અને પુતિનની આવનારી બેઠક પર વિશ્વભરની નજર ટકાવી દીધી છે.


