વડાપ્રધાન મોદી આગામી સોમવારે સોમનાથની મુલાકાતે આવશે : સ્વાભીમાન પર્વની તડામાર તૈયારી
સોમનાથ,તા.૮:
ગીર સોમનાથમાં આગામી સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નૂતન સોમનાથ મંદિરની ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૧ મેના રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારશે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેઓ હમીરજી સર્કલ સુધી એક ભવ્ય રોડ શો કરશે અને ત્યારબાદ મંદિરના શિખર પર વિશેષ જળાભિષેક પણ કરશે. આજથી ૮ મે થી ૧૨ મે સુધી વિવિધ ધામિર્ક અને વૈદિક કાર્યક્રમો યોજાવાના હોવાથી સમગ્ર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન અત્યંત સઘન કરી દેવામાં આવ્યું છે. આ ભક્તિમય કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.


