વેરાવળ-પાટણના બિસ્માર રસ્તાઓનું થશે રિસર્ફેસિંગ: ૨૦થી વધુ માર્ગોનો સર્વે પૂર્ણ

ચોમાસામાં ખખડધજ બનેલા રસ્તાઓ પર આગામી અઠવાડિયાથી સમારકામની તૈયારી; નમસ્તે સર્કલના આઇકોનિક રોડનું કામ ૧૦ દિવસમાં પૂર્ણ થવાની આશા, રાજેન્દ્ર ભવનથી જાલેશ્વર સુધી રૂા.૫ કરોડના ખર્ચે નવો આઇકોનિક રોડ બનશે

વેરાવળ-પાટણના બિસ્માર રસ્તાઓનું થશે રિસર્ફેસિંગ: ૨૦થી વધુ માર્ગોનો સર્વે પૂર્ણ

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૧૦
વેરાવળ-પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા રસ્તાઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના અનેક આંતરિક માર્ગો પર ખાડા અને ઉબડખાબડ સપાટીના કારણે અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા દ્વારા રસ્તાઓના રિસર્ફેસિંગ, પેચવર્ક અને નવા રસ્તાઓના નિર્માણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસે જણાવ્યું હતું કે બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામ માટે એજન્સી નિયુક્ત કરી દેવામાં આવી છે અને આગામી અઠવાડિયાથી કામગીરી શરૂ થવાની શક્યતા છે.
ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, વેરાવળ-પાટણ શહેરના આંતરિક મુખ્ય માર્ગોનો સર્વે કરવામાં આવ્યો છે. ૨૦થી વધુ રસ્તાઓના સર્વેની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને આ માર્ગો પર પ્રાથમિકતાના ધોરણે રિસર્ફેસિંગ તથા પેચવર્ક હાથ ધરવામાં આવશે. જે રસ્તાઓ ચોમાસામાં વધુ ખરાબ થયા છે, ત્યાં જરૂરી સમારકામ કરીને વાહનચાલકોને પડતી મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, શહેરના જુદા જુદા વોર્ડમાં એવા રસ્તાઓ પણ ઓળખવામાં આવ્યા છે, જે લાંબા સમયથી નવા બન્યા નથી અને નવીનીકરણની જરૂરિયાત ધરાવે છે. પાંચ કરોડ ના ખર્ચે અંદાજે સાત કિલોમીટર જેટલા રસ્તાઓના નવીનીકરણનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ આયોજનને ઓક્ટોબર માસમાં યોજાનારી નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના આઉટગ્રોથ વિસ્તારોના રસ્તાઓ માટે પણ દરખાસ્ત રજૂ કરવાની તૈયારી છે.
શહેરમાં નમસ્તે સર્કલથી બની રહેલા આઇકોનિક રોડનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ માર્ગ પર કામગીરીની ધીમી ગતિને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાના સવાલના જવાબમાં ચીફ ઓફિસર અશ્વિન વ્યાસે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરવામાં આવી છે અને કામગીરી અંગે દરરોજ ફોલોઅપ લેવામાં આવે છે. હાલ મેટલિંગ અને ડિવાઇડરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી ૮થી ૧૦ દિવસમાં ડામર રોડનું કામ પણ શરૂ અથવા પૂર્ણ કરવાની દિશામાં કામગીરી આગળ વધે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
રાજેન્દ્ર ભવનથી જાલેશ્વર સુધી રૂ.૫ કરોડનો આઇકોનિક રોડ શહેરના વિકાસકાર્યો અંતર્ગત રાજેન્દ્ર ભવન ટાવર ચોકથી જાલેશ્વર બ્રિજ સુધીના માર્ગને પણ આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ, આ માર્ગનું ખાતમુહૂર્ત રવિવારે યોજવાનું આયોજન છે અને ત્યારબાદ સોમવારથી કામ શરૂ કરવાની તૈયારી છે. અંદાજે રૂ.૫ કરોડના ખર્ચે બનનારા આ માર્ગમાં સિવિલ વર્ક, પેવર બ્લોક્સ અને બ્યુટિફિકેશન સહિતની કામગીરીનો સમાવેશ થશે. હવે નાગરિકોની નજર નગરપાલિકાની જાહેરાતો પર છે. રસ્તાઓના સમારકામ અને નવીનીકરણ માટેની સમયમર્યાદા કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે અને બિસ્માર માર્ગોની સમસ્યામાં ક્યારે રાહત મળે છે, તે જોવું રહ્યું.