વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન
જૂનાગઢ, તા.૧૦
દર વર્ષે ૧૦ ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ" (World Mental Health Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તથા વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) દ્વારા આ દિવસની થીમ "Lived Experiences Heard: Real Voices, Real Change" (વાસ્તવિક અનુભવોનું શ્રવણ: સાચા અવાજ, સાચું પરિવર્તન) નક્કી કરવામાં આવી છે. આ વિષયને આધાર બનાવી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જુનાગઢના મનોરોગ વિભાગ દ્વારા "માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માસ" અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજિત જનજાગૃતિ પ્રવૃત્તિઓ : શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં માનસિક રોગો પ્રત્યે રહેલી ગેરમાન્યતાઓ દૂર થાય તે માટે નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે:
જાગૃતિ વ્યાખ્યાનો (Awareness Lectures) : માનસિક તણાવ, ચિંતા, ડિપ્રેશન અને તેના નિવારણ અંગે વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન.
મુવી ક્લબ અને વિડીયો સ્ક્રીનીંગ (Movie Club & Videos) : વિદ્યાર્થીઓ અને જનતા માટે માનસિક આરોગ્ય આધારિત પ્રેરણાદાયી ફિલ્મો અને ટૂંકી વિડીયોનું સ્ક્રીનીંગ.
પોસ્ટર પ્રદર્શન (Poster Exhibition) : માનસિક સ્વાસ્થ્યનું મહત્વ અને સામાજિક સ્ટીગ્મા (દૂષણ) દૂર કરવા માટે હોસ્પિટલ પરિસરમાં પોસ્ટર પ્રદર્શન.
વાસ્તવિક અનુભવો અને સફળ સારવારના ઉદાહરણો (Lived Experiences of Recovery) : આ વર્ષની થીમ અનુસાર, યોગ્ય સમયે તબીબી સારવાર અને કાઉન્સેલીંગ મેળવવાથી ગંભીર માનસિક પરિસ્થિતિમાંથી પણ દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ શકે છે તેના જીવંત ઉદાહરણો જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલમાં જાેવા મળ્યા છે:
પોસ્ટપાર્ટમ સાયકોસિસ : ૨૬ વર્ષની માતા ડિલિવરી બાદ ભ્રમ અને હિંસક વર્તનના કારણે પોતાના બાળકના નુકસાનના વિચારોથી પીડાતી હતી, જેને ECT સારવાર અને કાઉન્સિલિંગ દ્વારા ૨૦ દિવસમાં સાજી કરી પરિવાર તૂટતો બચાવવામાં આવ્યો.
ગંભીર સ્કીઝોફ્રેનિયા : ૭ વર્ષથી ગંભીર સ્કીઝોફ્રેનિયા (ભ્રમ) સામે ઝઝૂમતા અને લાખોનો ખર્ચ કરી ચૂકેલા ૨૭ વર્ષના યુવાનને સાયકોથેરાપી અને ચોક્કસ દવાઓ દ્વારા હોસ્પિટલમાં માત્ર એક જ સપ્તાહમાં જ નોંધપાત્ર રાહત મળી.
ડિપ્રેશન અને TDCS સારવાર: સતત ૨ વર્ષથી ઉદાસી અને આપઘાતના વિચારોથી પીડાતી ૪૨ વર્ષની મહિલાને આધુનિક tDCS પદ્ધતિ (નરમ વીજ પ્રવાહ) અને કાઉન્સિલિંગ દ્વારા સફળ સારવાર આપી નવું જીવન આપવામાં આવ્યું.
જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જુનાગઢની વર્ષ ૨૦૨૬ દરમિયાનની કામગીરી
સામાન્ય મનોરોગ વિભાગ (General OPD & Ward) : OPD સારવાર: કુલ ૧૮,૩૩૦ દર્દીઓની વિનામૂલ્યે તપાસ અને સારવાર કરવામાં આવી (પુરુષ: ૯,૮૧૮, મહિલા: ૮,૫૧૨).
ઇન્ડોર વોર્ડ (Inpatients) : ગંભીર માનસિક તકલીફ ધરાવતા કુલ ૨૮૬ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી.
વ્યસનમુક્તિ કેન્દ્ર (ATF - Addiction Treatment Facility) : ATF OPD : વ્યસનમુક્તિ માટે કુલ ૧,૪૭૫ દર્દીઓએ સેવા લીધી (પુરુષ: ૧,૩૩૦, મહિલા: ૧૪૫).
ATF વોર્ડ: ગંભીર વ્યસન ધરાવતા ૫૬ દર્દીઓને દાખલ કરી વ્યસનમુક્ત કરવામાં આવ્યા. આઉટરીચ કેમ્પ અને જનજાગૃતિ (Camps & Outreach) : OPD કેમ્પ : ૩૮ કેમ્પ યોજી ૬૭૯ દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી.
જાગૃતિ કેમ્પ: ૪૭ અવેરનેસ કેમ્પ દ્વારા ૬,૭૭૮ નાગરિકો સુધી માનસિક સ્વાસ્થ્યનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.
તબીબી ટીમ: આ તમામ સેવાઓ વિભાગીય વડા (HOD) ડૉ. તન્વી કાચા ના માર્ગદર્શન હેઠળ આપવામા આવી રહી છે. જેમાં સીનિયર ડોક્ટર્સ ડૉ. હિમા પોપટ અને ડૉ. નિધિષ કક્કડ તેમજ તબીબી ટીમ ડૉ. જયદેવ કમ્બાલિયા, ડૉ. જેમી, અને ડૉ. હેતલ સક્રિય સેવાઓ આપી રહ્યા છે. માનસિક રોગ કે તણાવ અનુભવતા કોઈપણ વ્યક્તિએ સંકોચ રાખ્યા વિના જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જુનાગઢના મનોરોગ વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.


