શ્રી ગોરક્ષનાથની મૂર્તિને ખંડિત કરનાર મંદિરનો પુજારી જ આરોપી
ગીરનાર પર્વત ઉપર ૬ હજાર પગથીયે આવેલ શ્રી ગુરૂ ગોરક્ષનાથ મંદિર ખાતે મૂર્તિ ખંડિત કરવાનાં બનાવમાં પુજારી કિશોર કુકરેજા અને ફોટોગ્રાફર રમેશ ભટ્ટની ધરપકડ
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર ૬૦૦૦ પગથીયે આવેલ શ્રી ગુરૂ ગોરક્ષનાથ મંદિર ખાતે મૂર્તિ ખંડિત કરવાની ઘટના બની હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. ગુરૂ ગોરક્ષનાથ મૂર્તિ ખંડન કરનારાઓને તાત્કાલીક ઝડપી લેવાની બુલંદ માંગણી વ્યકત થઈ હતી તેમજ સંતો દ્વારા પણ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ થઈ હતી. આ દરમ્યાન બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રેન્જ આઈજી નિલેશ જાજડીયા તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ભારે જહેમત બાદ મૂર્તિ ખંડનનાં બનાવનો ભેદ ખોલી નાખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને બે આરોપીની ધરપકડ કરી તેના વીરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યંત સંવેદનશીલ બનાવ ગણાતા આ બનાવનો ભેદ ઉકેલવાની ઝીણવટભરી કામગીરી તેમજ સંયમ પૂર્વક તમામ પાસાઓ ઉપર છણાવટ કરી આખરે મુળ આરોપી સુધી પહોંચી જવાની પોલીસની કાર્યદક્ષતા અને કાબેલીયત સ્પષ્ટ દર્શાય છે ત્યારે પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર અંદાજે ૫,૫૦૦ પગથિયાં નજીક આવેલા ગુરૂ ગોરક્ષનાથ મંદિરમાં તા. ૪ ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાની શરમજનક ઘટનાનાં બનાવનો જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ એક પગારદાર સેવાદાર (પુજારી) નીકળ્યો છે જેણે પોતાની કમાણી વધારવા અને લાઈમલાઈટમાં આવવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના બાદ રેન્જ આઈજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ, ગિરનાર રૂટ, રોપ-વે અને અન્ય જગ્યાઓના કુલ ૧૫૬ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. આ માટે ૧૦ ટીમો અને ખાસ નેત્રમ ટીમને કામે લગાડવામાં આવી.
ગિરનાર તળેટી અને પર્વત પરના ટાવર ડ્રમ અને લોકેશનના આધારે ૫૦૦થી વધુ કોલ ડિટેઇલ રેકોર્ડ કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બની તે સમયે રોપ-વેમાં ગયેલા ૧૭૦ જેટલા લોકોની ઓળખ કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
તળેટીની હોટલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા લોકોની પણ પૂછપરછ કરાઈ હતી. તપાસ દરમ્યાન પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, ત્યારે કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. મંદિરનો કાચ એક બાજુથી તોડવામાં આવ્યો હતો, પરંતુ ૫૦ કિલો વજનની મૂર્તિ તૂટેલા કાચમાંથી નીકળવી શક્ય નહોતી. પોલીસે આ શંકા દૂર કરવા હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી. જેવો કાચ તોડાયો હતો, તેવો જ નવો કાચ લગાવી અને તેટલા જ વજનની બીજી મૂર્તિ મંગાવીને સમગ્ર ઘટનાનો ડેમો કરવામાં આવ્યો હતો.
ડેમોમાં સાબિત થયું કે, મૂર્તિને કાચ તોડીને બહાર કાઢવી અત્યંત મુશ્કેલ હતી. આ બાબતે પોલીસની શંકા દૃઢ બની કે આ કૃત્ય અંદરના કોઈ વ્યક્તિનું જ છે જેના આધારે પોલીસને શંકાસ્પદ જણાતા રમેશ ભટ્ટ જે ત્રણ મહિના પહેલાં સેવાદાર હતો અને ફોટોગ્રાફી કરતો હતો તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન તેણે કબૂલાત કરી અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. રમેશ ભટ્ટે કબૂલાત કરી કે તા. ૪ ઓક્ટોબરની સાંજે આરતી પૂર્ણ થયા બાદ પગારદાર સેવાદાર કિશોર કુકરેજાએ રમેશ ભટ્ટને કહ્યું કે ‘આપણે એક કાંડ કરવાનો છે‘ અને સાંજે ૭:૩૦ વાગ્યા બાદ કિશોર કુકરેજાએ મુખ્ય મંદિરમાંથી એક લોખંડનો પાઇપ લીધો અને ગૌરક્ષનાથ મંદિરના સાઇડના કાચને તોડી નાખ્યો. ત્યારબાદ પાઇપ પાછો મૂકીને મંદિરને તાળું મારી દીધું અને રમેશ ભટ્ટને ૯:૦૦ વાગ્યા બાદ જાણ કરવાનું કહ્યું હતું. રાત્રે ૯:૩૦ વાગ્યા બાદ કિશોર કુકરેજાએ પોતાની પાસેની ચાવીથી મંદિરનું તાળું ખોલ્યું અને બંને જણા મળીને ગુરૂ ગોરક્ષનાથની મૂર્તિને બહાર કાઢી હતી. ત્યારબાદ બંને શખસોએ મૂર્તિને ઊંચકીને પર્વત પરથી ધક્કો મારી દીધો અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, સેવાદાર કિશોર કુકરેજા મંદિરના દાનના રૂપિયામાંથી પણ કટકી કરતો હતો. તેણે રમેશ ભટ્ટને કહ્યું હતું કે, જાે કંઈક મોટો કાંડ કરીએ તો મોટો ધમાકો થશે. આ ઘટના બનવાથી ભાવિકોની સંખ્યામાં વધારો થાય, કિશોર કુકરેજા લાઇમલાઇટમાં આવે અને તે જે રૂપિયાની કટકી કરતો હતો તેમાં પણ વધારો થાય, તેવા આશયથી તેણે આ ધમર્દ્રાેહનું કૃત્ય કર્યું હતું. પોલીસે બંને આરોપીઓ રમેશ ભટ્ટ અને કિશોર કુકરેજાની ધરપકડ કરીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે મૂર્તિ ખંડનની ઘટના બાદ બીજા જ દિવસે સાધુ-સંતો અને વહીવટી તંત્રની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિનું પુન:સ્થાપન કરવામાં આવ્યું હતું.


