સામાજીક કાર્યકર્તા અન્ના હજારેની તબિયત લથડી બોમ્બે હોસ્પિટલમાં દાખલ
(એજન્સી) મુંબઈ,તા.૦૧:
દેશના જાણીતા વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને મુંબઈ સ્થિત બોમ્બે હોસ્પિટલ ના ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં તેમની પ્રાથમિક સારવાર ચાલી રહી હતી, પરંતુ સ્વાસ્થ્યમાં વધુ સુધારો ન જણાતાં વધુ સારા ઉપચાર અર્થે તેમને તાત્કાલિક મુંબઈ ખસેડવામાં આવ્યા છે.૮૯ વર્ષીય અન્ના હજારે ને ગંભીર વાયરલ ઇન્ફેક્શન અને શરીરમાં પાણીની ભારે અછત એટલે કે એક્યુટ ડીહાઇડ્રેશનની સમસ્યા થઈ હતી. બોમ્બે હોસ્પિટલ ખાતે વરિષ્ઠ તબીબ ડો. ગૌતમ ભણસાલી અને તેમની વિશેષ ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરો હાલ તેમની તબિયતનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરી રહ્યા છે અને મેડિકલ રિપોટ્ર્સ આવ્યા બાદ આગળની સારવાર નક્કી કરવામાં આવશે.


