સરકારી કચેરીઓ રાત્રીનાં ૯ સુધી કાર્યરત રહે તેવી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની માંગ
સરકારી કામકાજ માટે નોકરી-ધંધામાં રજા પાડીને આવતા લોકોને ધકકા ન ખાવા પડે અને કામગીરી સરળ બને તે માટે મુખ્યમંત્રીને પણ પત્ર દ્વારા રજુઆત કરાઈ
જૂનાગઢ તા. ૩
વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ આજે જૂનાગઢ ખાતે એક પત્રકાર પરીષદ યોજી હતી અને ગુજરાતમાં સરકારી કચેરીઓ માટે રાત્રી પાળી શરૂ કરવા બાબતે મહત્વની ચર્ચા અને આમ જનતાને તેનાથી મળતી રાહત અંગે વિચાર વિમર્શ કર્યો હતો. ગોપાલ ઈટાલીયાએ સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી ધંધામાં રજા પાડીને ધકકા ખાવા ન પડે તે માટે સરકારને એક પત્ર પાઠવી અને રાત્રી પાળી સરકારી કચેરીઓમાં શરૂ કરવા માટે રજુઆત કરી હતી. ગોપાલ ઈટાલીયાનાં આ નવતર અભિગમને લઈને તેમનો પત્ર વાયરલ થઈ રહયો છે.
ગુજરાતમાં સામાન્ય જનતાને સરકારી કામકાજ માટે નોકરી-ધંધામાં રજા પાડીને ધક્કા ખાવા ન પડે તે માટે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ એક નવતર પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે કે, રાજ્યમાં મામલતદાર, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત જેવી જનતા સાથે સીધી જાેડાયેલી કચેરીઓનો સમય બદલીને ‘બપોરના ૨થી રાત્રિના ૯ વાગ્યા‘ સુધીનો કરવો જાેઈએ. ઈટાલિયાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે, જાે પોલીસ સ્ટેશન અને ટોલનાકા જેવી વ્યવસ્થાઓ રાત-દિવસ ચાલુ રહી શકતી હોય, તો જનતાના હિત માટે વહીવટી કચેરીઓ રાત્રે ૯ વાગ્યા સુધી કેમ ચાલુ ન રાખી શકાય?
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સરકારી કચેરીઓનો સમય સવારના ૧૦થી સાંજના ૬ વાગ્યા સુધીનો હોય છે. આ સમયગાળામાં સામાન્ય માણસ પોતાની નોકરી, મજૂરી કે ખેતીકામમાં વ્યસ્ત હોય છે. નાનામાં નાના દાખલા કે સરકારી કામ માટે અરજદારે પોતાના કામમાંથી રજા પાડવી પડે છે. જાે કામ એક દિવસમાં ન થાય તો વારંવાર રજા લેવી પડે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. જાે કચેરીઓ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ હોય, તો લોકો કામ પતાવીને નિરાંતે પોતાના સરકારી કામ કરી શકે.
ગોપાલ ઈટાલિયાએ પત્રમાં ખાસ કરીને મામલતદાર અને પ્રાંત કચેરી,તાલુકા અને ગ્રામ પંચાયત કચેરી, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઝોન ઓફિસો અને વીજળી વિભાગ (GEB/PGVCL)ની કચેરીઓના સમયમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે.
ધારાસભ્યએ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ગુજરાતમાં પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો અને સરકારી ટોલનાકા જેવી સેવાઓ ૨૪ કલાક અથવા મોડી રાત સુધી કાર્યરત હોય છે. આ તમામ વ્યવસ્થાઓ જાે જનતાની સુવિધા માટે રાત્રે ચાલુ રહી શકતી હોય, તો પંચાયત કે મામલતદાર કચેરીને પણ રાત્રિના ૯ વાગ્યા સુધી ચાલુ રાખવામાં કોઈ ટેકનિકલ અવરોધ આવવો જાેઈએ નહીં. આ ર્નિણયથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે અને વચેટિયાઓની જરૂરિયાત ઓછી થશે. વિસાવદર જેવા ગ્રામીણ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યએ ઉમેર્યું કે, ખેડૂતો આખો દિવસ ખેતરમાં કામ કરતા હોય છે. તેમને ૭/૧૨ના ઉતારા કે અન્ય સહાય માટે આખો દિવસ બગાડીને શહેરમાં આવવું પડે છે. જાે ‘રાત્રિ કચેરી‘નો કન્સેપ્ટ અમલમાં આવે, તો ગુજરાત મોડેલમાં એક નવું છોગું ઉમેરાશે અને જનતાને ખરા અર્થમાં ‘સરળ શાસન‘નો અનુભવ થશે. હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે, જેને ઘણા લોકો આવકારી રહ્યા છે, તો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. દરમ્યાન આજે ગોપાલ ઈટાલીયાએ જૂનાગઢ ખાતે એક પત્રકાર પરીષદ પણ આ બાબતે યોજી હતી.


