સુરતના વરાછામાં SBI બેંકમાં દિવસદહાડે લૂંટ, 55 મિનિટમાં 50 લાખથી વધુની રોકડ ઉઠાવી લૂંટારૂઓ ફરાર
કેશ ડિપોઝિટ સમયે ઘૂસેલા હથિયારધારી 5–6 શખ્સોએ સ્ટાફને બંધક બનાવ્યા; સીસીટીવીના આધારે પોલીસની સઘન તપાસ
સુરત, તા.27
સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં દિવસે થયેલી હથિયારબંદ લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ 4 થી 5 જેટલા લૂંટારૂઓએ બેંકમાં ઘૂસી પિસ્તોલની અણીએ કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા.
માહિતી મુજબ, બપોરે આશરે 1:11 વાગ્યે લૂંટારૂઓ બેંકમાં પ્રવેશ્યા હતા અને લગભગ 2:06 વાગ્યા સુધી અંદર રહી લૂંટને અંજામ આપ્યો હતો. આ દરમિયાન બેંકમાં કેશ ડિપોઝિટ (CMS) કામગીરી ચાલી રહી હતી, જેને ટાર્ગેટ કરીને લૂંટારૂઓએ આયોજનબદ્ધ રીતે ઘટનાને અંજામ આપ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
લૂંટ દરમિયાન આરોપીઓએ બેંકના સ્ટાફના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા, જેથી પોલીસને તાત્કાલિક જાણ ન થઈ શકે. બાદમાં રોકડ રકમ બેગમાં ભરી લૂંટારૂઓ સ્પોર્ટ્સ બાઈક પર ફરાર થઈ ગયા હતા.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા છે, જેમાં કેટલાક આરોપીઓના ચહેરા સ્પષ્ટ જોવા મળે છે. પોલીસ દ્વારા ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટના અંગે માહિતી આપતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, લૂંટારૂઓએ બેંકમાં પ્રવેશ કરી સ્ટાફને હથિયારના જોરે બંધક બનાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બુરખો પહેરવાનો મુદ્દો અફવા હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ તેજ બનાવી છે.


