આગામી પ્રજાસત્તાક પર્વને રક્તરંજીત કરવા આતંકવાદીઓની મેલી મુરાદ : સુરક્ષા એજન્સીઓ સાબદી
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦:
ગુપ્તચર એજન્સીઓએ પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. સૂત્રોનું કહેવું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ, જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા પ્રજાસત્તાક દિવસ દરમિયાન હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે. બાંગ્લાદેશમાં આતંકવાદી સંગઠનો પણ હુમલાઓનું આયોજન કરી રહ્યા છે. રાજધાની દિલ્હી સહિત દેશના અનેક મોટા શહેરોને નિશાન બનાવી શકાય છે. ચેતવણીમાં જણાવાયું છે કે પંજાબના ગેંગસ્ટરો હવે વિદેશ સ્થિત ખાલિસ્તાની અને કટ્ટરપંથી હેન્ડલર્સ સાથે સહયોગ કરી રહ્યા છે. ગુપ્તચર વિભાગના ચેતવણી મુજબ, આ ગેંગસ્ટરો હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સક્રિય છે અને ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. તેઓ ૨૬ જાન્યુઆરી પહેલા રાષ્ટ્રીય વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે. સિન્ડિકેટ પાસે માત્ર સ્વદેશી શસ્ત્રો જ નહીં પરંતુ અત્યાધુનિક શસ્ત્રોનો મોટો જથ્થો પણ છે. ચેતવણી મુજબ, વિદેશી ખાલિસ્તાની અને કટ્ટરપંથી હેન્ડલર્સ તેમના એજન્ડાને આગળ વધારવા માટે આ ગેંગસ્ટર નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ હવે આવા હુમલાઓને રોકવા માટે સજ્જ થઈ ગઈ છે.


