ગુજરાતને વધુ એક વંદે ભારતની ભેટ, સૌરાષ્ટ્રની કનેક્ટિવિટીમાં આવશે નવી ગતિ

17 ઓગસ્ટથી ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ રૂટ પર દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, સોમનાથ યાત્રા બનશે વધુ સરળ

ગુજરાતને વધુ એક વંદે ભારતની ભેટ, સૌરાષ્ટ્રની કનેક્ટિવિટીમાં આવશે નવી ગતિ

અમદાવાદ,તા.24
રેલવે મંત્રાલયે ગુજરાતના મુસાફરો અને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. આગામી 17 ઓગસ્ટ, 2026થી ટ્રેન નં. A6901/26902 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ નવા રૂટ પર દોડશે. અત્યાર સુધી વિરમગામ-સુરેન્દ્રનગર-જેતલસર માર્ગે સંચાલિત થતી આ ટ્રેન હવે ગાંધીગ્રામ-ધોળકા-ધંધુકા-બોટાદ-ધોળા-ઢસા-જૂનાગઢ થઈને વેરાવળ પહોંચશે. નવા રૂટના કારણે સૌરાષ્ટ્રના અનેક શહેરોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસની આધુનિક સેવા મળશે.
નવી સમયસૂચિ મુજબ, ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ સવારે 6:00 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરશે, 6:16 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે અને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. જ્યારે ટ્રેન નં. 26902 વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ બપોરે 3:50 વાગ્યે વેરાવળથી ઉપડશે, રાત્રે 9:50 વાગ્યે ગાંધીગ્રામ અને 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે. માર્ગમાં બંને દિશામાં ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ સ્ટેશનો પર રોકાશે. જેના કારણે આ વિસ્તારોના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવાની તક મળશે. ખાસ કરીને ધોળકા, ધંધુકા અને બોટાદ જેવા વિસ્તારો માટે આ સેવા મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ટ્રેનનું સમયપત્રક ખાસ કરીને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરો સવારે અમદાવાદથી પ્રસ્થાન કરીને બપોર સુધી વેરાવળ પહોંચી સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે અને તે જ દિવસે સાંજે પરત ફરી રાત્રે અમદાવાદ પહોંચી શકશે. એક જ દિવસમાં દર્શન અને પરત ફરવાની સુવિધા મળતાં યાત્રાળુઓ માટે મુસાફરી વધુ સરળ, ઝડપી અને આરામદાયક બનશે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા રૂટથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચેની પ્રાદેશિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સાથે જ ધાર્મિક પર્યટન, વેપાર અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી ગતિ મળશે. બ્રોડગેજ પરિવર્તન બાદ ગાંધીગ્રામ-બોટાદ રેલવે સેક્શનને પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળતાં સ્થાનિક મુસાફરોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.