ગુજરાતમાં ફોરેન કરન્સીની તીવ્ર અછત ડોલર, પાઉન્ડમાં રૂા.ર થી પાંચનું પ્રિમિયમ
(બ્યુરો) અમદાવાદ તા.૨૨:
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડોલર, પાઉન્ડ અને યુરો જેવી ફોરેન કરન્સીની તીવ્ર અછત જોવા મળી રહી છે. જેના કારણે કાયદેસર રીતે ફોરેન કરન્સી ખરીદવા ઇચ્છતા મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે. બજારના હાલ એક ડોલરનો ભાવ આશરે ૯૫.૭૧, પાઉન્ડનો ૧૩૦.૩૮ અને યુરોનો ૧૧૧.૭૦ આસપાસ ગણવામાં આવે છે, પરંતુ અછતને કારણે કેટલાક કિસ્સામાં બજાર ભાવ કરતાં ૨થી ૫ રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડતું હોવાની માહિતી છે. રાજ્યમાં ૩૫૦થી ૪૦૦ જેટલા લાઈસન્સયારક મની એક્સચેન્જરો કાર્યરત હોવાનું જાણવા મળે છે. આરબીઆઈ દ્વારા વેરિફિકેશન બાદ એકથી ત્રણ લાઇસન્સ આપવામાં આવે અને સમયસર રિન્યૂઅલની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્સામાં ટેકનિકલ કારણોસર લાઇસન્સ રિન્યૂ ન થતાં મની એક્સચેન્જરો કામ કરી શક્તા નથી, જેના કારણે બજારમાં ફોરેન કરન્સીની ઉપલબ્ધતા વધુ ઘટી હોવાનું માનવામાં આવે છે.


