જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ‘નો પ્રારંભ
જીવનરક્ષક દવાઓને બચાવવાનો સંવેદનશીલ સંકલ્પ
જૂનાગઢ, તા.ર૦
માનવજાતને જીવલેણ રોગો સામે રક્ષણ આપતી એન્ટિબાયોટિક દવાઓનું અસ્તિત્વ અને તેની અસરકારકતા ટકાવી રાખવાના ઉમદા હેતુ સાથે GMERS જનરલ (સિવિલ) હોસ્પિટલ, જૂનાગઢ ખાતે ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનાર ‘વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ’નો ભાવસભર પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજના સમયમાં એન્ટિબાયોટિક દવાઓનો અવિચારી અને વધુ પડતો ઉપયોગ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર પડકાર બની રહ્યો છે. જ્યારે કોઈ દર્દીના જીવન-મરણનો પ્રશ્ન હોય ત્યારે આ દવાઓ બેઅસર સાબિત ન થાય અને આવનારી પેઢીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે, તેવી ઊંડી સંવેદના સાથે હોસ્પિટલ ખાતે એક વિશેષ જાગૃતિ અને સંવેદનશીલતા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં માઇક્રોબાયોલોજી, ફાર્માકોલોજી અને મેડિસિન વિભાગના નિષ્ણાત તબીબોએ અત્યંત સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)ના જાેખમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, દરેક તબીબ અને આરોગ્યકર્મીની એ નૈતિક જવાબદારી છે કે દર્દીને માત્ર જરૂરિયાત મુજબ અને યોગ્ય પ્રમાણમાં જ એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે. કાર્યક્રમના સૌથી ભાવુક અને પ્રેરણાદાયી તબક્કામાં, હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને એન્ટિબાયોટિક્સના તર્કસંગત અને જવાબદારીપૂર્વકના ઉપયોગ તેમજ પ્રિસ્ક્રિપ્શન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સંવેદનશીલ અભિયાનમાં હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ (HODs), ફેકલ્ટી સભ્યો, રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ સહિત કુલ ૨૦૦ જેટલા આરોગ્ય પ્રહરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ એકસૂરે સંકલ્પ લીધો હતો કે તેઓ દર્દીઓના હિતમાં એન્ટિબાયોટિક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને સમાજને એક સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્યની ભેટ આપશે.


