જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બેની ધરપકડ : મુખ્ય સૂત્રધાર કોંગોમાં

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બેની ધરપકડ : મુખ્ય સૂત્રધાર કોંગોમાં

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આશ્રમના નામે ૩૦ લાખની ખંડણી મંગાઈ હતી. આરોપીઓએ વોટ્સએપ કોલ પર ગાળો આપી અમદાવાદના રોનક ઠાકોરના નામે આંગડિયુ કરવાનું કહ્યું હતું. આ કેસમાં પોલીસે રોનક ઠાકોર નામના વ્યક્તિને અમદાવાદમાંથી અને જ્હોન બલોચ નામના વ્યક્તિને વેરાવળથી ઝડપી લીધો છે. આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર સમીર બલોચ હોવાનું સામે આવ્યું છે, જે હાલમાં કોંગોમાં રહે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ રોનક ઠાકોર, જ્હોન બલોચ અને સમીર બલોચ એકબીજાના સંપર્કમાં હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર સમીર બલોચને કોંગોથી ભારત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. 
આ મુદ્દે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ગત તા. ૨૬ ઓક્ટોબરના રોજ તેમના મોબાઈલ પર ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યા હતા. આ કોલમાં તેમની પાસેથી ૩૦ લાખની ખંડણી માગવામાં આવી હતી, અને જાે આ રકમ ન આપે તો ધારાસભ્યના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ગંભીર મામલે ધારાસભ્યએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા જૂનાગઢ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ખંડણીની રકમ અમદાવાદના રોનક ઠાકોર નામના વ્યક્તિને આંગડિયા મારફતે આપવાનું કહેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એલસીબીની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઊંડાણપૂર્વક તપાસ કરીને અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા રોનક ઠાકોર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા વેરાવળના ઇમરાન ઉર્ફે જ્હોન બલોચ નામના બીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર સમીર બલોચના સતત સંપર્કમાં હતા અને જ્હોન બલોચ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એલસીબીની ટેકનિકલ ટીમે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ખંડણીના ગુનાનો મુખ્ય સૂત્રધાર સલીમ બલોચ નામનો યુવક છે, જે મૂળ ગીર સોમનાથ જિલ્લાના ચિત્રાવડ ગામનો રહેવાસી છે અને હાલ આફ્રિકન દેશ કોંગોમાં રહીને ત્યાંથી જ ધારાસભ્યને અલગ-અલગ ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ કરીને ધમકી આપી રહ્યો હતો. જૂનાગઢ એલસીબી પોલીસે હાલ રોનક ઠાકોર અને જ્હોન બલોચની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી સલીમ બલોચને કોંગોમાંથી ભારત પરત લાવવા માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે, ખંડણી માટે ધમકી આપવા પાછળનું સાચું કારણ શું છે તે સલીમ બલોચની ધરપકડ અને તેની પૂછપરછ બાદ જ સામે આવશે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે તેમને બે દિવસ પહેલાં ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો હતો. શરૂઆતમાં આ કોલ આશ્રમની મદદ માટે પૈસાની માગણી કરતો હતો, પરંતુ બાદમાં તે જ નંબર પરથી ખંડણી કે દાન તરીકે ૩૦ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જાે આ રકમ ન આપવામાં આવે તો ધારાસભ્યના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ રૂપિયા આંગડીયા મારફતે મોકલવા માટે અમદાવાદના રોહન ઠાકોર નામના વ્યક્તિના નંબર આપવામાં આવ્યા હતા. ધારાસભ્યએ આ સમગ્ર મામલે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ અંગેની કાર્યવાહી કરી રહી છે. 
ધારાસભ્ય સંજય કોરડીયાએ આ ઘટનાને સનાતન ધર્મને અને સંતોને બદનામ કરવાની કોશિષ ગણાવી છે. જાેકે સંતો ક્યારેય આવા કામ ન કરે અને તેઓ યથાશક્તિ મદદ કરે છે, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.ધારાસભ્ય કહ્યું કે મારા કોઈ એવા કામ નથી કે મારે પોલીસ રક્ષણની જરૂર પડે. આ મામલાની સંપૂર્ણ વિગતો પોલીસ તપાસ પૂરી થયા બાદ જ સામે આવી શકે છે. અત્રે નોંધનીય છે કે, ૧૦ મહિના પહેલાં જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ફરિયાદ સંકલન સમિતિમાં ભવનાથ મંદિરના મહંતને લઈ પ્રશ્ન ઉપસ્થિત થતાં ધારાસભ્યએ પૂર્વ કલેક્ટર રચિત રાજ, મામલતદાર અને પ્રાંત અધિકારીના કારણે વિવાદ થયાનો આક્ષેપ કર્યો હતો. ત્રિપુટીએ ભવનાથના મહંતની ગેરકાયદે નિમણૂક કરી હતી. અગાઉના ભ્રષ્ટ કલેક્ટર રચિત રાજ દ્વારા જે ગેરકાયદે ભવનાથ મહંતની નિમણૂક કરી સંતોની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ છે એવું ધારાસભ્ય સંજય કોરડીયાએ સંકલન સમિતિમાં આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેશગિરિએ ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ ભાજપને ૫ કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને ૫૦ લાખ દીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.