પંચમહાલમાં ૨ દિવસમાં રૂા. ૨.૧૫ કરોડનો દારૂ ઝડપાયો!

પાંચ અલગ-અલગ સ્થળોએથી કુલ ૫૭,૮૫૦ દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન ઝડપી લેવામાં આવ્યા છે

પંચમહાલમાં ૨ દિવસમાં રૂા. ૨.૧૫ કરોડનો દારૂ ઝડપાયો!

(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ,તા.૨૯
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવામાં સરહદી ચેકપોસ્ટોની નિષ્ફળતા વચ્ચે, પંચમહાલ પોલીસે માત્ર બે દિવસમાં જ ૨,૧૫,૩૫,૫૩૮ ની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડીને ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. એક ખાસ ડ્રાઈવ હેઠળ, જિલ્લાના પાંચ અલગ-અલગ સ્થળોએથી કુલ ૫૭,૮૫૦ દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન ઝડપી લેવામાં આવ્યા છે, સાથે જ કન્ટેનર અને ટ્રક જેવા વાહનો પણ જપ્ત કરાયા છે. આને પંચમહાલ પોલીસનો સપાટો કે કહેવો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા કહેવી? તે પણ એક મોટો સવાલ છે.
પરવડી ચોકડી, બાયપાસ રોડ: લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ નાકાબંધી દરમિયાન એક ટાટા કન્ટેનરમાંથી રૂ. ૨૫,૬૬,૫૬૦ ની કિંમતની ૨,૫૯૨ વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરિયાનો જથ્થો જપ્ત કર્યો.
લીલેસરા ચોકડી, ગોધરા બાયપાસ: પોલીસે અહીંથી ૯,૧૮૦ વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરિયા સહિત રૂ. ૭૪,૪૫,૬૧૬ નો દારૂ અને કન્ટેનર મળીને કુલ રૂ. ૮૪.૫૦ લાખ નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપી પણ ઝડપાયો છે.
સિમલીયા ગામ, ઘોઘંબા (કરોલી ફાટક): નાકાબંધી દરમિયાન રૂ. ૩૬,૮૪,૬૦૬ ની કિંમતના ૧૬,૦૫૬ દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન ભરેલી એક આઈશર ટ્રક પકડવામાં આવી. મલ્લાકૂવા પાસે: પોલીસની કામગીરીમાં રૂ. ૯.૧૮ લાખ ની કિંમતની ૫,૯૭૪ દારૂની બોટલો અને બિયર ભરેલી આઈસર ગાડી સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવ. ગઢ, ગોધરા તાલુકો: અહીં નાકાબંધી દરમિયાન રૂ. ૬૯,૨૦,૭૩૬ ની કિંમતના ૨૪,૦૪૮ દારૂની બોટલો અને બિયર ટીનનો જથ્થો ઝડપી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
કુલ મળીને, પંચમહાલ પોલીસે આ પાંચ ગુનાઓમાં રૂ. ૨,૧૫,૩૫,૫૩૮ નો પ્રોહીબિશનનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ પોલીસ મથકોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મોટા ઓપરેશનમાં અનેક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલો દારૂનો જથ્થો કરોડોમાં છે અને તે મોટે ભાગે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે. સવાલ એ છે કે આટલો મોટો દારૂનો જથ્થો કન્ટેનર અને ટ્રકમાં ભરીને રાજ્યની સરહદો વટાવીને પંચમહાલ જિલ્લાના અંદરના વિસ્તારો સુધી કેવી રીતે પહોંચી ગયો?
આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે રાજ્યની બોર્ડર ચેકપોસ્ટો પરનું ચેકિંગ ક્યાંક કડક નથી અથવા તો તસ્કરો નવા માર્ગોનો ઉપયોગ કરીને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. જાે પોલીસ જિલ્લાની અંદર ખાસ ડ્રાઇવ ચલાવીને આટલો મોટો જથ્થો પકડી શકે છે, તો બોર્ડર પર તૈનાત દળોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય છે. સાથે જ, ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અસરકારક રીતે લાગુ કરવા માટે સરહદો પર વધુ સઘન અને પારદર્શક ચેકિંગની તાતી જરૂરિયાત છે. શું પોલીસ તંત્રએ હવે આ આરોપીઓની પૂછપરછ દ્વારા દારૂની હેરાફેરીના મૂળ અને નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસ કરશે ખરી તે એક મોટો સવાલ છે.