પેપર લીક વિવાદે દિલ્હીમાં રાજકીય ઘમાસાણ, PM આવાસ નજીક કોંગ્રેસનો વિરોધ
રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓ ધરણા પર બેઠા, સરકાર તરફથી વાતચીત માટે જિતેન્દ્ર સિંહે સંભાળી મોરચો
નવી દિલ્હી તા.21
પેપર લીક મુદ્દે દેશની રાજનીતિ ફરી ગરમાઈ છે. કોંગ્રેસે નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન શરૂ કરીને કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક સાંસદો અને કાર્યકરો ધરણામાં જોડાયા હતા.
કોંગ્રેસનું કહેવું છે કે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, તેથી જવાબદારી નક્કી કરીને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે પોલીસે કેટલાક કાર્યકરોને કસ્ટડીમાં લઈને સ્થિતિ નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર વિરોધ પ્રદર્શન અગાઉથી જાહેર કરવામાં આવ્યું નહોતું. કોંગ્રેસના નેતાઓ અચાનક પગપાળા કૂચ કરીને પીએમ આવાસ નજીક પહોંચ્યા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ હતી.
પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. તેમણે વિરોધ પક્ષ સાથે વાતચીત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને ફરી ધરણાસ્થળે આવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં જણાવ્યું કે પેપર લીકના દોષિતોને કાયદા મુજબ કડક સજા કરવામાં આવશે અને આવા મુદ્દાઓ પર રાજકીય લાભ લેવા કરતાં વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.


