બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ
The Views Express

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા.૨૪
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ૨૩મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. 
તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાન દીપુ ચંદ્રાની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ અને VHP કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આજે સવારે ૧૧ વાગ્યાથી બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એકઠા થઈ રહ્યા હતા, પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતી. આ દરમિયાન, કાર્યકરોએ બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું, જેના કારણે દિલ્હી પોલીસે તેમને વિખેર્યા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
બાંગ્લાદેશમાં દીપુની હત્યાના પગલે દિલ્હી, કોલકાતા, ભોપાલ અને જમ્મુ સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા છે. દિલ્હીમાં કાર્યકરોએ મોહમ્મદ યુનુસનું પુતળું બાળ્યું હતું. બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, ખાસ કરીને તબીબી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વધી રહી છે.
મંગળવારે સવારે ૧૦ વાગ્યા પહેલા બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર પ્રણય વર્માને વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર પણ હાજર હતા. બાંગ્લાદેશના વિદેશ સચિવ અસદ અલ સિયામે હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા હતા. ભારતના વિવિધ ભાગોમાં બાંગ્લાદેશી મિશનોને લગતી વધતી સુરક્ષા ચિંતાઓને કારણે પ્રણય વર્માને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમને ભારતમાં તમામ બાંગ્લાદેશી મિશન પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
પ્રણય વર્માને પણ ૧૪મી ડિસેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તે સમયે બાંગ્લાદેશે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના સતત ભડકાઉ નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી હતી અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના હત્યારાને ભારત ભાગી જતા અટકાવવા માટે ભારતનો સહયોગ માંગ્યો હતો. બાંગ્લાદેશે વિનંતી કરી હતી કે જાે આરોપી ભારતમાં ઘૂસે છે, તો તેને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બાંગ્લાદેશને સોંપવામાં આવે.