ભારતમાં છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નબળુ ચોમાસુ  સામાન્ય કરતા ૧પ ટકા ઓછો વરસાદ નોંધાયો

ભારતમાં છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નબળુ ચોમાસુ  સામાન્ય કરતા ૧પ ટકા ઓછો વરસાદ નોંધાયો

(એજન્સી)       નવી દિલ્હી તા.રર
દેશમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ૧૫ ટકા ઓછો રહ્યો છે. આ આંકડો છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી ઓછો છે. આ પહેલાં, વર્ષ ૨૦૦૯માં વરસાદમાં ૧૮.૩ ટકાની ઘટ નોંધાઈ હતી.
આ વર્ષે વરસાદમાં ઘટાડાનું મુખ્ય કારણ અલ નીનો માનવામાં આવી રહ્યું છે. ૧ જૂનથી ૨૧ સપ્ટેમ્બર સુધી ૮૨૭.૨ મિમી વરસાદ સામાન્ય માનવામાં આવે છે. અત્યાર સુધીમાં માત્ર ૭૦૩.૭ મિમી વરસાદ થયો છે. એટલે કે ૧૨૩.૫ મિમીની ઘટ છે.
૩૦ સપ્ટેમ્બર સુધી સમગ્ર સિઝન માટે સામાન્ય વરસાદ ૮૬૮.૬ મિમી હોય છે. સિઝન પૂર્ણ થવામાં ૯ દિવસ બાકી છે. પરંતુ હવે એટલો વરસાદ થવાની સંભાવના નથી કે જેથી ૧૫ ટકાની ઘટ પૂરી થઈ શકે. કારણ કે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી ચોમાસું ઝડપથી વિદાય લઈ રહ્યું છે.
૧૯ સપ્ટેમ્બરે પશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાયની શરૂઆત થઈ હતી. સોમવારે પંજાબ, અડધા હરિયાણા અને રાજસ્થાનના  કેટલાક વધુ વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી. આગામી ૨૪-૪૮ કલાકમાં હરિયાણાના બાકીના વિસ્તારો, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે.