અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધ લાગુ કર્યા ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે

ભારત રશિયાની સરગુટનેફ્ટએગાઝ, ગાઝપ્રોમ નેફ્ટ અને નાના ટ્રેડર્સ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી શકે

અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધ લાગુ કર્યા ભારતે રશિયાથી આયાત કરાતા ક્રૂડની ખરીદી ઘટાડવી પડશે
Morung Express

નવી દિલ્હી, તા.૨૬
રશિયન ક્રૂડ ઓઈલની બે મુખ્ય નિકાસકાર કંપનીઓ રોસનેફ્ટ અને લુકઓઈલ પર અમેરિકન પ્રમુખ ટ્રમ્પના નવા પ્રતિબંધો સંપૂર્ણપણે લાગુ થઈ ગયા છે ત્યારે હવે નજીકના સમયમાં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે બંધ નહીં થાય. જાેકે, રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી સરેરાશ દૈનિક ૧૭ લાખ બેરલથી ૭૦ ટકા જેટલી ઘટીને માત્ર ચાર લાખ બેરલ સુધી રહી શકે છે. નવેમ્બરમાં ભારતની ખરીદી દૈનિક ૧૮-૧૯ લાખ બેરલે પહોંચવાનો અંદાજ છે. એટલે કે રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની ખરીદી અસ્થિર અને અનિશ્ચિત બની જશે.વૈશ્વિક ડેટા એકત્ર કરનાર કેપ્લરના અહેવાલ મુજબ ૨૦ નવેમ્બર સુધીમાં ભારત માટે રશિયન ક્રૂડ ઓઈલનું લોડિંગ લગભગ ૯૮૨ કેબીડી રહ્યું, જે ઓક્ટોબર ૨૦૨૨ પછી સૌથી ઓછું હતું. આ વર્ષે ભારતની કુલ રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં રોસનેફ્ટ અને લુકોઈલનું યોગદાન લગભગ ૬૦ ટકા હતું. રશિયાની બંને મુખ્ય કંપનીઓ પર પ્રતિબંધ મૂકાવાથી ભારતીય રિફાઈનરીઓ પાસે તેમની ખરીદી રોકવા સિવાય મર્યાદિત વિકલ્પ બચ્યા છે. પરિણામે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાત અસ્થિર અને અનિશ્ચિત બની ગઈ છે. જાેકે, અમેરિકન પ્રતિબંધો રશિયાના સંપૂર્ણ ક્રૂડ ઓઈલ ઉદ્યોગ પર નથી, તેથી રેસનોફ્ટ અને લુકઓઈલ સિવાય રશિયાની સરગુટનેફ્ટએગાઝ, ગાઝપ્રોમ નેફ્ટ અને નાના ટ્રેડર્સ હવે ભારતને ક્રૂડ ઓઈલ પૂરું પાડવાનું ચાલુ રાખી શકે છે. કેપ્લરના અંદાજ મુજબ ૨૧ નવેમ્બરની સમય મર્યાદા પછી ન્યારા એનર્જી સિવાય બધી જ ભારતીય રિફાઈનરીઓ પ્રત્યક્ષરૂપે પ્રતિબંધિત રશિયન સંસ્થાઓ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી દેશે. તેનાથી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રશિયન ક્રૂડ ઓઈલની ડિલિવરીમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે. રશિયન ક્રૂડ ઓઈલ કંપનીઓ પર અમેરિકાના નવા પ્રતિબંધો ભારત અને રશિયાના વ્યૂહાત્મક સંબંધો માટે પણ અગ્નિ પરીક્ષા સમાન રહેશે. યુક્રેન પર આક્રમણ પછી રશિયા પર પશ્ચિમી દેશોએ પ્રતિબંધો મૂકતા ભારત ફેબુ્રઆરી ૨૦૨૨થી રશિયા પાસેથી જંગી ડિસ્કાઉન્ટથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી દીધી હતી. પરિણામે રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત માત્ર ૧ ટકાથી વધીને લગભગ ૪૦ ટકા સુધી પહોંચી ગઈ હતી. રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદારોમાં ભારતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકા અને યુરોપીયન સંઘના પ્રતિબંધોનું પાલન સુનિશ્ચિત કરવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. આરઆઈએલે ૨૦ નવેમ્બરથી પોતાની નિકાસ કેન્દ્રીત રિફાઈનરીમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત અટકાવી દીધી છે. રિલાયન્સની જેમ એચપીસીએલ, મિત્તલ એનર્જી અને મેંગ્લોર રિફાઈનરી જેવી કંપનીઓએ પણ રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત અટકાવી દીધી છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી  ૧ ડિસેમ્બરથી સેઝ રિફાઈનરીના બધા જ ઉત્પાદન નિકાસ બિન રશિયન ક્રૂડ ઓઈલમાંથી પ્રાપ્ત કરાશે.
જેથી જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થનારા ઈયુના પ્રતિબંધોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરી શકાય. ૨૦ નવેમ્બરે અથવા ત્યાર પછી આવનારા રશિયન ક્રૂડ ઓઈલની ખેપને ઘરેલુ ટેરિફ ક્ષેત્ર રિફઈનરીમાં સંશાધિત કરાશે, જેનાથી નિકાસ પ્રતિબંધોનો ભંગ ના થાય.