આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતેથી રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૫નો શુભારંભ થયો, વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલની પ્રેરક ઉપસ્થિતિ
વિરમગામમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન, સહાય, મંજૂરીપત્રોનું વિતરણ તેમજ ખેડૂતોને રવી પાક વિશે, શ્રી અન્ન (મિલેટ્સ), પ્રાકૃતિક ખેતી, નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી અપાઈ
ખેડૂતોને રવી સીઝનમાં રવી પાક વિશે તેમજ આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ જિલ્લાકક્ષાનો વિરમગામના ગુજરાત રાજ્ય બીજ નિગમ ગોડાઉન ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ થયો છે. આ અવસરે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી તાંત્રીકતા ખેડૂતો સુધી પહોંચાડવા, વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડૂતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે વર્ષ ૨૦૦૫-૦૬ માં કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવ થકી આધુનિક સમયમાં આધુનિક ખેતી સાથે ખેડૂતોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજય એ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આજે રાજય દેશના વિકસીત અને મજબૂત ઉભરતા રાજય તરીકેની સિધ્ધિ હાંસલ કરી દેશના બાકીના રાજયો માટે દીવા દાંડીરૂપ બન્યુ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતોને તમામ પ્રકારના લાભો મળે અને તેમની આવક બમણી થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા પાણી , વીજળી તેમજ ગુણવત્તા યુક્ત સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ અવસરે ડ્રોન ટેક્નોલોજીની વાત કરતા મંત્રીએ ઉમેર્યું કે, કૃષિ પાકોમાં છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો વધુનો વધુ વપરાશ વધે એ માટે ભારત સરકારશ દ્વારા “ડ્રોન દીદી” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓના સશક્તિકરણ સાથે સ્વરોજગારી વધે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. અને આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતો માટે તાલીમોનું પણ આયોજન કરવામાં આવે છે. ખેડૂતોને મળતી વિવિધ સહાય સીધી તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે.
આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના વિકાસ વર્ષની ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે આ કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને ભારતની વિકાસ ગાથા વિશ્વ સ્તરે પહોંચાડી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોની ચિંતા કરીને તેમના જીવનને સધ્ધર અને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ સાથે આ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મંત્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિરમગામમાં રૂ. ૫૦ કરોડથી વધુ ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવી છે. સાથે જ રૂ. ૫૫ કરોડની સરકારી હોસ્પિટલનું નિર્માણ પણ વિરમગામ તાલુકામાં કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે સહકારી મંડળીના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતોનાં વિકાસની કામગીરી કરી છે. આજે સહકારી મંડળી ક્ષેત્રે દેશ વિશ્વસ્તરે પ્રસ્થાપિત થઈ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિરમગામ ખાતેથી ૬ જીએસઆરટીસી બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરવામાં આવી હતી. આ બસો વિરમગામથી પાલિતાણા, ગાંધીનગર, ઝાડિયાણા, તારાનગર, ખારાઘોડા, રાણીપ પીપળીધામ, મહાદેવનગર, બેચરાજી રુટ પર શરૂ કરવામાં આવી છે.
આ રવી કૃષિ મહોત્સવમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તથા શ્રી અન્ન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ જિલ્લાના તેમજ વિરમગામ તાલુકાના શ્રેષ્ઠ આત્મા ખેડૂત અને શ્રેષ્ઠ પશુપાલકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા, આઇ.સી. ડી.એસ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા વિવિધ ખેત ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ એવા કુલ ૧૫ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના લાભાર્થીઓમાં વ્રજલાલ પટેલ (દસ્ક્રોઇ), દિનેશ જાદવ (ધોલેરા) તેમજ વિરમગામ તાલુકા કક્ષાના લાભાર્થીઓમાં જીતેન્દ્ર મોરી, આનંદ પટેલ તથા પ્રવિણ ગોહેલને એવોર્ડ અને પ્રશસ્તિપત્રોથી સન્માનિત કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫માં વિરમગામ તાલુકામાં ખેડૂતોને રૂ. ૧૬.૨૪ કરોડની સહાય અપાઈ હતી તથા ૮૫૮ ખેડૂતોને ટ્રેક્ટર જેવા અનેક સંસાધનોના સહાયની પૂર્વ મંજૂરી અપાઈ ગઈ છે. વધુમાં ખેડૂતો માટે ચણા, મકાઈ અને એરંડાનાં પાક માટે ૬૦૦૦ ક્વિન્ટલનું બિયારણનું વિતરણ, ઘઉં માટે ૪૦૦૦ ક્વિન્ટલનું બિયારણનું વિતરણ તથા ૫૯ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, જિલ્લા કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ, વિરમગામ મહામંત્રી દશરથભાઈ પટેલ, વિરમગામ એપીએમસી ચેરમેન ભરત સિંધેવ, વિરમગામ સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન રાજુભાઈ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. આઈ પટેલ, જીએસઆરટીસી અમદાવાદના અધિકારી એચ.એસ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વહીવટી વિભાગના પદાધિકારી, મામલતદાર, સરપંચ, તલાટી, બાગાયત વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. ડી.એન.ખલાસી, વીરમગામ કપાસ સંશોધન કેન્દ્રનાં કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ધર્મેન્દ્ર પ્રદાન પાટીદાર તેમજ ખેડૂતો, લાભાર્થીઓ અને ગ્રામજનો તેમજ લાભાર્થી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.


