આલ્ફા વિદ્યા સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવને પગલે હોબાળો
શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અપશબ્દો બોલવા, માર મારવો, પાણી બંધ કરી દેવું તેમજ પુરતી સુવિધા ન આપવી જેવા વાલીઓના આક્ષેપ સામે મેનેજમેન્ટ દ્વારા લુલો બચાવ
જૂનાગઢ તા.૧૧
જૂનાગઢના ખલીલપુર રોડ પર આવેલ જાણીતી શૈક્ષણીક સંસ્થા આલ્ફા વિદ્યા સંકુલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા માર મારવા, અપશબ્દો બોલવા તેમજ પાણી બંધ કરી દેવા સહિતના મુદ્દે ગઈકાલે ભારે હોબાળો મચ્યો હતો. વાલીઓએ સંચાલકો સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે અને તાત્કાલીક અસરથી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી બુલંદ માંગણી કરવામાં આવી છે તેમજ ર૮ મુદ્દા અંગે રજુઆતો કરી છે અને જાે આ અંગે યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો આગળની રણનીતી નક્કી કરવામાં આવશે તેમ વાલીઓએ જણાવ્યું હતું. આલ્ફા વિદ્યા સંકુલમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે થતી ગેરવર્તણુંકના મુદ્દે ભારે બબાલ થઈ હતી અને જેને લઈને શૈક્ષણીક વર્તુળમાં પણ ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ શહેર અને જીલ્લામાં શિક્ષણના હાટડા ઠેક-ઠેકાણે બીલાડીના ટોપની માફક ફુટી નીકળેલા છે. પોતાનું બાળક સારૂ શિક્ષણ પામે તે માટે વાલીઓ તેને હોસ્ટેલમાં મુકીને અભ્યાસ કરાવતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુંકના કિસ્સાઓ સામે આવે છે ત્યારે પોતાનું બાળક કેટલુ સલામત છે તે અંગેના સવાલો પણ વાલીઓમાં ઉઠી રહ્યા છે. આલ્ફા વિદ્યા સંકુલમાં ભણતા બાળકો સાથેના ગેરવર્તનના આ કિસ્સાને લઈને વાલીઓને વિચારતા કરી મુક્યા છે કે, આવી સંસ્થામાં બાળકને અભ્યાસ માટે મુકતા તેઓ ભુલ તો કરી રહ્યા નથી ને ? જેવા અનેક સવાલો આજે વાલીઓમાં ચર્ચાનો વિષય બનેલ છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગેની વાલીઓએ આપેલી વિગત અનુસાર હોસ્ટેલમાં રહેતા બાળકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. છેલ્લા ૧૫-૧૫ દિવસથી લાઈટ અને પંખા બંધ રહે છે, પરંતુ તેનું સમારકામ કરાવવા માટે કોઈ યોગ્ય ઇલેક્ટ્રિશિયન રાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત, રાત્રે ૮ વાગ્યા પછી બાળકો માટે પીવાના પાણીના સ્ત્રોત બંધ કરી દેવામાં આવે છે. વાલીઓએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે શિક્ષકો અને રેક્ટરો દ્વારા નાના બાળકો સાથે ગેરશબ્દો અને ગાળાગાળીનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોને પિલર સાથે અથડાવીને, થપ્પડો મારીને તેમજ લાકડી વડે ઢોર માર મારવામાં આવે છે અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે. આ ઉપરાંત એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, એક કિસ્સામાં બાળકના વાંસા પર મારના નિશાન પડી ગયા હોવાનો અને સીસીટીવીમાં ઘટના કેદ થઈ હોવાનો દાવો પણ કરાયો છે. જો બાળકો આ અંગે વાલીઓને ફરિયાદ કરે તો તેમને વાલીઓ સામે બોલવા બદલ વધુ ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. વાલીઓનો આરોપ છે કે સ્ટાફ દ્વારા વાલીઓ સાથે પણ અપમાનજનક વલણ અપનાવવામાં આવે છે અને ગામડાના વાલીઓને ઓફિસમાં બેસવા બાબતે પણ તોછડાઈથી વાત કરવામાં આવે છે. દૂર-દૂરથી આવતા વાલીઓને મળવાનો સમય માત્ર બપોરે ૧૨ વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે અને જો કોઈ વાલી રજૂઆત કરવા જાય તો ગેટ પર જ બાળકના નામની નોંધ કરીને ધમકીઓ આપવામાં આવે છે. આશરે ૨૮ જેટલી અસુવિધાઓની યાદી તૈયાર કરી વાલીઓએ હવે સરકારી કચેરીઓ અને અધિકારીઓ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની ચીમકી આપી છે.
બીજી તરફ, આ તમામ ગંભીર આક્ષેપો સામે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાએ શાળાનો બચાવ રજૂ કરતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે વર્ષથી આ સંસ્થા નડિયાદના ટ્રસ્ટી પ્રતિક પટેલ દ્વારા સંચાલિત થઈ રહી છે. બાળકો સાથે કોઈ ક્રૂરતા કે હેતુપૂર્વક મારપીટ કરવામાં આવતી નથી. બાળકો નાના હોવાથી ભૂલ કરે ત્યારે રેક્ટર કે સ્ટાફ પોતાના સંતાન સમજીને તેમને માત્ર શિસ્તના ભાગરૂપે ટોકતા હોય છે. જો હોસ્ટેલમાં આવી વાસ્તવિકતા હોત તો તેમની પાસે ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ન હોત તેમજ મેડિકલ ઇમરજન્સી અને બીમારી અંગે વાત કરતા કેમ્પસ ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું કે, કોઈપણ બાળકને ઇમરજન્સી હોય ત્યારે તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. હોસ્ટેલમાં એક ખાસ રજિસ્ટર રાખવામાં આવે છે જેમાં બાળકની તમામ વિગતો નોંધાય છે અને વાલીઓને ટેલિફોન દ્વારા નિયમિત જાણ કરવામાં આવે છે. રાત્રે પાણી બંધ કરવાના આક્ષેપ પર તેમણે ઉમેર્યું કે તેઓ પોતે કેમ્પસમાં હાજર હોય છે અને બાળકોને પોતાની બોટલમાં પીવાનું પાણી ભરવાની પૂરેપૂરી છૂટ છે. તેમજ હોસ્ટેલના નિયમો અને મળવાના સમય અંગે તેમણે ખુલાસો કર્યો કે, વાલીઓ ગમે ત્યારે આવે તો દરરોજ આવતા વાલીઓના કારણે હોસ્ટેલના અન્ય બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે. તેથી મળવાનો સમય નક્કી કરાયો છે. સંસ્થા દ્વારા દર મહિને વાલી મીટિંગ યોજાય છે અને દર ૧૫ દિવસે વાલીઓ પોતાના બાળકો સાથે વાત કરી શકે તે માટે કોલિંગ સિસ્ટમ રાખવામાં આવી છે. કેમ્પસ ડાયરેક્ટરે ખાતરી આપી હતી કે વાલીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે આગામી એક અઠવાડિયામાં ટ્રસ્ટી ની હાજરીમાં વાલીઓ સાથે ખાસ મીટિંગ યોજીને તમામ પ્રશ્નોનું યોગ્ય સમાધાન લાવવામાં આવશે. બીજી તરફ વાલીઓ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવી રહી છે. અને ર૮ જેટલા મુદ્દાઓનું નિરાકરણ લાવવાની બુલંદ માંગણી કરવામાં આવી રહી છે.


