આશા ભોંસલેનું છેલ્લું ફિચર-ફિલ્મ ગીત ‘એ મેરી જિંદગી’ રિલીઝ, વીડિયો જોઈ ચાહકો થયા ભાવુક
‘ઓમ કા હરિ’માં સામેલ ગીત ૨૦૨૩ના અંતમાં રેકોર્ડ થયું હતું; મ્યુઝિક વીડિયોમાં આશા ‘તાઈ’ના સ્ટુડિયો રેકોર્ડિંગની ઝલક પણ જોવા મળી
મુંબઈ, તા.૯
સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેની ૮ સપ્ટેમ્બરે ૯૩મી જન્મજયંતીના અવસરે તેમનું છેલ્લું ફિચર-ફિલ્મ ગીત ‘એ મેરી જિંદગી’ રિલીઝ કરવામાં આવ્યું છે. રઘુબીર યાદવ, અંશુમન ઝા અને સોની રાઝદાનની આગામી ફિલ્મ ‘ઓમ કા હરિ’ના મેકર્સે આ ગીતને ચાહકો સમક્ષ રજૂ કર્યું છે. ગીતના વીડિયોમાં આશા ભોંસલેની રેકોર્ડિંગ દરમિયાનની ઝલક જોઈ અનેક ચાહકો ભાવુક થયા છે.
‘એ મેરી જિંદગી’ ગીત વર્ષ ૨૦૨૩ના અંતમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ગીતને રાજીવ સારંગે કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના બોલ પ્રદીપ શર્મા ખુસરોએ લખ્યા છે. હરીશ વ્યાસના દિગ્દર્શનમાં બનેલી પિતા-પુત્રના સંબંધોની વાર્તા રજૂ કરતી ફિલ્મ ‘ઓમ કા હરિ’માં આ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૮ સપ્ટેમ્બરે યુટ્યુબ પર રજૂ થયેલા મ્યુઝિક વીડિયોમાં ગીતની સાથે કેટલાક ‘બિહાઇન્ડ ધ સીન્સ’ દૃશ્યો પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં આશા ભોંસલેને સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરતાં તેમજ ફિલ્મના મેકર્સ અને અભિનેતા અંશુમન ઝા સાથે વાતચીત કરતાં જોઈ શકાય છે. તેમના અવાજની સાથે રેકોર્ડિંગ સમયની આ ઝલકોએ ચાહકો માટે ગીતને વધુ ભાવનાત્મક બનાવ્યું છે.
અહેવાલ અનુસાર આશા ભોંસલેનું ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું જણાવાયું હતું. હવે તેમની જન્મજયંતીના અવસરે રજૂ થયેલું ‘એ મેરી જિંદગી’ તેમના સંગીત વારસાની યાદ તરીકે ચાહકો સમક્ષ આવ્યું છે.
ફિલ્મ ‘ઓમ કા હરિ’માં અંશુમન ઝા અને રઘુબીર યાદવ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે સોની રાઝદાન, સમતા સુદીક્ષા અને આયશા કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


