ખંભાળિયાના યુવાનની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી, રૂા.24.50 લાખના દાગીનાની લૂંટ : બે શખ્સો સામે ફરિયાદ
મોડી સાંજે હાઈવે પર બોલાવીને હત્યાને અંજામ આપ્યાનું પોલીસમાં જાહેર
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.2
ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કર્યાની તથા રૂપિયા સાડા 24 લાખની કિંમતના આશરે 35 તોલા સોનાના દાગીનાની લૂંટ થયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં હજામ પાડો વિસ્તારમાં આવેલી પઠાપીરની દરગાહ પાસે રહેતા અને અહીંના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હોલસેલ - હરાજીના વ્યવસાય સાથે સંકળાયેલા આસીફભાઈ ઓસમાણભાઈ લાખા ગત સાંજે આશરે છએક વાગ્યે તેમના નાનાભાઈ હમીદભાઈની અત્રે મેઈન બજારમાં આવેલી રેડી મેઈડ કપડાની દુકાને બેસવા આવ્યા હતા. ત્યાં તેમને કોઈ વ્યક્તિનો ફોન આવતા તેઓ આશરે સાતેક વાગ્યાના સમયે તેમની દુકાનેથી નીકળ્યા હતા. ત્યાર બાદ ખંભાળિયાથી આશરે નવ કિલોમીટર દૂર વિરમદળ ગામ તરફ જતા કાચા રસ્તે આવેલા એક ભરડિયા નજીક તેમનો લોહી લોહાણ હાલતમાં શર્ટના ખુલ્લા બટન સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. આના અનુસંધાને મૃતકના નાનાભાઈ હમીદભાઈ ઓસમાણભાઈ લાખા (ઉ.વ. 51, રહે. હજામ પાડો) એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના મોટાભાઈ આસીફભાઈ લાખાને ખંભાળિયામાં રહેતા હાજા ભારમલ આસાણી અને લક્કીરાજસિંહ ઉર્ફે મહિપાલસિંહ મહાવીરસિંહ વાઢેર નામના બે શખ્સોએ ગુનાહિત કાવતરું રચીને તેમના મોટાભાઈ આસીફભાઈને વિરમદળ માર્ગ પર બોલાવ્યા હતા. જ્યાં આ બંનેએ તેમને બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે બેફામ માર મારી, હત્યા નિપજાવી હતી.
આ પછી ઉપરોક્ત આ બંને શખ્સોએ આસિફભાઈએ પહેરેલા આશરે 35 તોલા જેટલા વજનના વજનદાર કિંમતી ચેન તથા અલગ અલગ છ વીંટીઓ લૂંટીને નાસી છૂટ્યા હતા. આ સોનાના દાગીનાની કુલ કિંમત આશરે રૂપિયા 24 લાખ 50 હજારની ગણવામાં આવી છે.


