જૂનાગઢની ઐતિહાસીક ઈમારતો જાળવણીના અભાવે જર્જરીત થઈ ગઈ - તંત્ર કયારે જાગશે ?
જૂનાગઢનો દિવાન ચોક દરબાર હોલ મ્યુઝીયમ વિના સુનો નવાબી શાસનની યાદ અપાવતી કમાનો, દરવાજા, રંગમહેલ, સરકારી બંધ પડેલી કચેરીઓની બિસ્માર હાલત
જૂનાગઢ તા.૧૫
જૂનાગઢ શહેરમાં નવાબી સમય કાળની સોનેરી યાદગીરી આપતા ભવ્ય ઈમારતો, દરવાજા, કમાનો અને દરબાર હોલ મ્યુઝીયમની બિલ્ડીંગની હાલત આજે જાળવણીના અભાવે દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. ત્યારે ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે દિવાન ચોકમાં આવેલી ભવ્ય ઈમારતાને રીનોેવેશન કરી અને યોગ્ય જાળવણી થાય તે જરૂરી છે. આવી ઈમારતો ઐતિહાસિક વારસો પણ દર્શાવે છે. ત્યારે આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે આ સાથે જ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના કારણે જૂનાગઢ શહેરનું મહત્વ આઝાદી પહેલા પણ રહયું છે અને આઝાદી બાદ પણ રહયંુ છે. જૂનાગઢ શહેર એક વખતે સૌરાષ્ટ્રનું સૌથી મોટું રાજય ગણાતું હતું. રાજાશાહી યુગ અને ત્યારબાદ નવાબી શાસન સમયની યાદ અપાવતા સંખ્યાબંધ ઐતિહાસિક સ્થળો, ઈમારતો, ભવન, મહાલયો અને સ્થળો આવેલા છે. જૂનાગઢ શહેરનો દિવાન ચોક તેના ભવ્ય સોનેરી ભુતકાળને આજે પણ યાદ કરાવતો શહેરનો જાણીતો ચોક છે. દિવાન ચોકમાં જ કલેકટર કચેરી સહીતની વિવિધ કચેરીઓ જયાં બેસતી હતી તે ભવ્ય ઈમારતો આવેલી છે. આ ઉપરાંત દિવાન ચોકનું મુખ્ય આકર્ષણ એવા દરબાર હોલ મ્યુઝીયમની ભવ્ય ઈમારત આજે પણ તેનાં જીર્ણક્ષીણ અવશેષો લઈને ઉભી છે. આ ઉપરાંત રંગમહેલ, સર્કલ ચોકમાં આવેલી કમાનો, માંડવી ચોક શાકમાર્કેટ સામે ભંગાર બજારવાળી કમાન જેની કોતરણી અને ડીઝાઈન અહીં આવનારને આકર્ષણ જગાવે છે. જૂનાગઢનાં તત્કાલીન નવાબ જયાં કચેરી ભરતા એ ભવ્ય ઈમારતને પ્રજાકીય તંત્ર અમલમાં આવ્યા બાદ દરબાર હોલ મ્યુઝીયમમાં ફેરવી નખાયેલું જયાં નવાબી સમયની યાદ તાજી કરતો ખાસ દરબાર જાેવા મળતો. અનેક અમૂલ્ય ચીજવસ્તુનાં ખજાના રૂપ દરબાર હોલ મ્યુઝીયમ, તેમજ તેની આસપાસમાં આવેલી ઈમારતોમાં આઝાદી બાદ સરકારી કચેરીઓ કાર્યરત હતી એ સમયે દરબાર હોલ મ્યુઝીયમની મુલાકાતે આવનારા પ્રવાસીઓ ઉપરાંત સરકારી કામકાજ માટે આવતા લોકોની ખાસ અવર-જવરને કારણે દિવાન ચોક, લીમડા ચોક કાયમ ધમધમતો રહેતો હતો. કેટલાક વર્ષો થયા સરકારી કચેરીઓ સરદાર બાગ નજીક નવા બિલ્ડીંગોમાં કાર્યરત બની છે અને જેને લઈને લીમડા ચોક, દિવાન ચોક વિસ્તારમાં આવેલી ભવ્ય ઈમારતો (કચેરીઓ) ઘણાં વર્ષો થયા ખાલી પડેલી છે. આ ઉપરાંત દરબાર હોલ મ્યુઝીયમનું પણ સરદાર બાગ ખાતે સ્થળાંતર થયું છે અને જેને લઈને દરબાર હોલ મ્યુઝીયમ તરીકે ઓળખાતી ભવ્ય ઈમારત બંધ પડી છે. દિવાન ચોક એટલે દિવાન ચોક ગણાતો મોટી ઉંમરના લોકો આજે પણ દિવાન ચોકની જાહોજલાલીને યાદ કરે છે. દિવાન ચોક રાત્રે પણ દીપી ઉઠે છે. શહેરની શાન ગણાતો દિવાન ચોક આજે ભુતકાળનાં ભવ્ય સમયને યાદ કરે છે.
દિવાન ચોકમાં આવેલ દરબાર હોલ મ્યુઝીયમ સહીતની ભવ્ય બિલ્ડીંગની ઈમારતો આજે જાળવણીનાં અભાવે નબળી પડતી જાય છે. શહેરમાં આવેલી ઈમારતોનું રીનોવેશન કરવામાં આવેલ છે તેમ દિવાન ચોક, લીમડા ચોકમાં આવેલ ભવ્ય ઈમારતો, દરબાર હોલ મ્યુઝીયમ, કમાનો, દરવાજાને પણ રીનોવેશન કરી પુરતી જાળવણી કરવામાં આવશે તો આ શહેરની શોભામાં વધુ યશ કલગી નોંધાશે. જેથી સંબંધીત તંત્ર અને સરકાર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.


