જૂનાગઢમાં આવો ભલે પણ કુતરાથી સાવધાન રહેજાે!

શહેરનાં તમામ વિસ્તારોમાં રખડતા કુતરાનો વધી રહેલો અસહ્ય ત્રાસ

જૂનાગઢમાં આવો ભલે પણ કુતરાથી સાવધાન રહેજાે!

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં રખડતા કુતરાની સમસ્યા વધતી જાય છે અને રસ્તે જતા રાહદારીઓને બચકા ભરી ઈજા પહોંચાડયાના બનાવમાં વધારો  થઈ રહયો છે. મનપા તંત્ર રખડતા કુતરાનાં આતંક સામે કડક કાર્યવાહી કરે તેવી માંગણી  ઉઠવા પામી છે. 
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમય થયા લગભગ દરેક વિસ્તારમાં શેરીઓમાં રખડતા કુતરાની સમસ્યા સતત વધી રહી છે. શેરી, ગલીઓમાં બેઠેલા  આ કુતરા ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓને નિશાન બનાવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.  શેરીમાં શાંત રીતે બેઠેલા કુતરા જાે કોઈ રાહદારી કે વાહન ચાલક ત્યાંથી નીકળે તો અચાનક હુમલો કરે છે અને તેની પાછળ દોડી પગની પીંડીમાં બચકા ભરી લોહીલોહાણ કરી દેતા હોય છે. કુતરૂ કરડે એટલે સ્વાભાવિક છે કે,  તાત્કાલીક તેની સારવાર કરાવવી પડે છે. કુતરૂ કરડવાથી ધનુરવા થવાનો સતત ભય રહેતો હોય છે તેમજ પગમાં જયાં ઘાયલ કર્યા હોય અથવા તો બચકુ ભરી દાંત બેસાડી દીધા હોય તે ભાગની યોગ્ય સારવાર તાત્કાલીક કરાવવી પડે અને જાે તુરત સારવાર કરવામાં ન આવે તો  પાક થાય. આ બધા જ ભયસ્થાનોને લઈને જેને કુતરૂ કરડયું હોય તે તાત્કાલીક સારવાર કરાવે અને જરૂરીયાત મુજબ ઈન્જેકશનો પણ લેવા પડે છે. આમ એક કુતરૂ કરડવાથી ઘણી બધી મુશ્કેલી શરૂ થાય છે. સારવારનો ખર્ચ તેમજ પરેજી પાળવી પડે છે. 
આમ વ્યક્તિને  હાલાકી ભોગવવી પડે છે.  જૂનાગઢ શહેરનાં મોટાભાગનાં  વિસ્તારોમાં રખડતા કુતરાની સમસ્યા રહેલી છે જ.. અનેકવાર રજુઆતો કરવા છતાં મનપા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. રસ્તે જતાં રાહદારીઓને આવા કુતરા નિશાન બનાવે છે તો વાહન ઉપર જતા વાહન ચાલકોને  પણ ભય પમાડે છે. વાહન બાજુમાંથી નીકળે  એટલે શાંત બેઠેલું કુતરૂ અચાનક ઉભુ થઈ જાય અને ધુરકા કરતું વાહન ચાલકની પાછળ દોડે અને ભયમાં ને ભયમાં ભાગી રહેલા વાહન ચાલકથી નાના મોટા અકસ્માતો પણ થઈ જતા હોય છે. આ ઉપરાંત નાના બાળકો તેમજ વૃધ્ધજનોને તો જયાં કુતરા બેઠા હોય ત્યાંથી પસાર થતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. છેલ્લા ઘણા સમય થયા શહેરમાં રખડતા કુતરાનો ત્રાસ વધી રહયો છે. અને રાહદારીઓને ભોગ બનાવ્યા હોવાનાં બનાવો પણ બન્યા છે. દરમ્યાન જૂનાગઢ કોર્પોરેશન આમ જનતાને  કુતરાનાં ત્રાસમાંથી મુક્તિ અપાવે અને શેરી-ગલીઓમાં રખડતા કુતરાઓને પકડી અને અન્યત્ર છોડવામાં આવે તેવી લોકોની માંગણી છે. વિશેષમાં જેમ કોઈ મકાનમાં કુતરૂ રાખવામાં આવ્યું હોય ત્યાં દરવાજા પર ચેતવણીનું બોર્ડ મારવામાં આવેલું હોય છે તેમાં લખેલું હોય છે કે, ‘કુતરાથી સાવધાન રહેજાે’ આવા બોર્ડ મારવાના દિવસો જૂનાગઢના દરેક પ્રવેશ દ્વારો ઉપર મારવાના દિવસો દુર નથીે. કારણ કે કોર્પોરેશન દ્વારા તત્કાલ કુતરા પુરવાની કામગીરી કરવામાં નહીં આવે તો મોટાભાગનાં વિસ્તારોમાં લખવું પડશે તમે જૂન્ગઢ આવો તો ભલે આવો પરંતુ કુતરાથી સાવધાન રહેજાે.. બોર્ડ મારવા પડશે તેવું લોકોમાં ચર્ચાય રહયું છે.

જૂનાગઢમાં કુતરૂ કરડતાં ર૦ ઈન્જેકશન અને એક મહીનો પરેજી પાળવી પડશે
કુતરાએ અનેક લોકોને ઈજાગ્રસ્ત બનાવેલ હોય જેથી મનપાને પણ આ અંગે રજુઆત કરાશે : નિવૃત એસટી ડ્રાઈવર
જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રખડતા કુતરાનો ત્રાસ સતત રહયો છે અને રસ્તે જતા રાહદારીઓને નિશાન બનાવી અને ઈજાગ્રસ્ત કર્યાનાં બનાવો બની રહયા છે. 
આ દરમ્યાન જૂનાગઢનાં સુખનાથ ચોક પિશોરી ફળીયામાં રહેતા નિવૃત એસટી ડ્રાઈવર રજાકભાઈ મુસાભાઈ સોલંકી (ઉ.વ. ૬૬) ગઈકાલે સવારે ૭.૩૦ કલાકે કુંભારવાડાથી નમાજ પઢીને આવી રહયા હતા ત્યારે અચાનક પાછળથી એક કુતરૂ આવી અને તેમનાં પગની પીંડીમાં બચકુ ભરી જતું રહયું હતું.
 કુતરૂ કરડવાથી તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ગયા હતાં જયાં સારવાર મેળવી હતી. અને ધનુરવા ન થાય તે માટેનાં ઈન્જેકશનનાં કોર્ષ માટે ગઈકાલે પાંચ ઈન્જેકશન લીધા હતાં. ત્યારબાદ ૧ર ડીસેમ્બર, ૧૬ ડીસેમ્બર અને ૬ જાન્યુઆરી એમ કુલ ૪ વખત પાંચ-પાંચ ઈન્જેકશનો લેવા પડશે અને કુલ ર૦ ઈન્જેકશનો લેવા પડશે તેમ જણાવ્યું હતું. તેમજ ખાવા-પીવા ઉપર સતત એક મહીનો સુધી પરેજી પાળવી પડશે તેવું ડોકટરોએ માર્ગદર્શન આપ્યું છે.
દરમ્યાન રજાકભાઈ મુસાભાઈ સોલંકીએ સૌરાષ્ટ્ર ભૂમિને જણાવ્યું હતું કે તેમને જે કુતરાએ નિશાન બનાવ્યા હતાં તે કુતરાએ ઘણાને બચકા ભર્યા છે. અને જેથી કરીને હવે કોઈ વધુ લોકો નિશાન ન બને તે માટે જાગૃતિ દાખવી અને તેઓ આ બાબતે મનપાને પણ રજુઆત અને નોટીસ પાઠવવાનાં છે. અને જૂનાગઢમાં રખડતા કુતરાનાં ત્રાસ અંગે તાત્કાલીક કાર્યવાહી કરે તેવી રજુઆત કરી હતી.