જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ઘઉં સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો
જૂનાગઢ, તા.૧
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્ર RARI, SKNAU, દુર્ગાપુરા, જયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી ૬૫મી અખિલ ભારતીય ઘઉં અને જવ સંશોધન કાર્યકર પરિષદમાં ડો. એમ. એલ. જાટ, ડાયરેક્ટર જનરલ ICAR અને Secrªary DAREના હસ્તે ઘઉં પાકમાં ઉત્તમ સંશોધન માટે “શ્રેષ્ઠ AICRP કેન્દ્ર પુરસ્કાર-૨૦૨૬” થી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ સન્માન રાષ્ટ્ર માટે ઘઉંમાં ઉત્તમ સંશોધન, નવીન જાતોના વિકાસ તથા ટેકનોલોજી નિર્માણ ક્ષેત્રે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા સતત અને નોંધપાત્ર યોગદાનને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રને નવીન જાતો જીડબલ્યુ ૫૫૫ (સોરઠ અંબર) અને જીડબલ્યુ ૫૫૬ (સોરઠ ઉષ્મા)ના વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ પણ વિશેષ માન્યતા પ્રાપ્ત થઈ છે. આ પુરસ્કાર ઘઉં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓના સમર્પિત પ્રયત્નો, વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને ટીમવર્કનું પ્રમાણપત્ર છે. આ સિદ્ધિ કેન્દ્રની વધુ ઉત્પાદન આપતી, આબોહવા-સહિષ્ણુ અને ખેડૂતલક્ષી ઘઉંની ટેકનોલોજીના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ એવોર્ડ પ્રાપ્ત થતાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટીયા, સંશોધન નિયામક ડૉ. વી. ડી. તારપરા, રજીસ્ટ્રાર તથા નોડલ ઓફીસર (ICAR) ડૉ. વાય. એચ. ઘેલાણી, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. બી. જાદવએ ઘઉં સંશોધન ટીમને અભિનંદન પાઠવીને બિરદાવ્યા હતા. અને ભવિષ્યમાં પણ ખેડૂતોને ઘઉંની નવીન જાતો મળી રહે અને ખેડૂતોની ખુશાલીમાં વધારો થાય તેવા અથાગ પ્રયત્નો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.


