જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણોનાં જમેલાને કારણે અકસ્માતની ઘટના વારંવાર બનતી હોવાની વ્યાપક ફરીયાદ
રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, હોસ્પીટલોએ આવતા વાહનોનાં ખડકલા સામે તંત્રનું અકળ મૌન
જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરનાં મધુરમ ગેઈટથી બાયપાસ ઝાંઝરડા ચોકડી સુધીનો માર્ગ સતત અકસ્માત સર્જનારો માર્ગ બની રહયો છે. નિર્દોષ વ્યકિતઓનાં મોતનાં બનાવો સતત વધી રહયા છે. આજે પણ સવારે એક દુધના ટેન્કરે બાઈકને હડફેટે લેતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એકનું કરૂણ મૃત્યું થયું છે. જેને લઈને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. આ વિસ્તારમાં સતત અકસ્માતોનાં બનાવો બની રહયા છે પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. મનપાનું તંત્ર જાણે લાજ કાઢીને બેઠુ હોય તેમ દબાણકારોને છુટો દોર મળી રહયો છે. આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર મધુરમ ગેઈટથી શરૂ થતા બાયપાસ રોડ પર ઝાંઝરડા ચોકડી સુધીનાં આ સમગ્ર વિસ્તાર અકસ્માત ઝોન બનતો રહયો છે. એક તો રસ્તાની બંને સાઈડ આવેલી ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરન્ટ, લારીઓ તેમજ બંને સાઈડમાં આવેલી હોસ્પીટલો અને આ હોસ્પીટલોમાં પણ આવતા દર્દીઓ અને તેના પરીવારોનાં વાહનની સતત અવર જવર તેમજ બાયપાસ હોવાનાં કારણે વહેલી સવારથી મોડી રાત્રી સુધી ટ્રાફીકથી ધમધમતો આ વિસ્તાર ગણાય છે. અહીં આ રસ્તા પરથી પસાર થવું હોય તો ખુબ જ સાચવીને જવુ પડે છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ આ માર્ગ પરથી પસાર થવું એટલે આકરી કસોટીરૂપ બને છે. આ વિસ્તારમાં આડેધડ ખડકાયેલી લારીઓ, ગલ્લાઓ તેમજ કેટલીક હોસ્પીટલો તેમજ રેસ્ટોરન્ટનાં ગેરકાયદેસર દબાણો, રસ્તાની બંને સાઈડ આડેધડ થતા વાહનોનાં પાર્કીંગો અને આવી કફોડી સ્થિતિ વચ્ચે પસાર થવું એટલે ખતરાથી ખાલી નથી. બીજી તરફ દબાણ હટાવવાની કામગીરી જે તંત્રએ કરવાની હોયછે તે મનપાનું તંત્ર કોઈ અક્કળ કારણોસર મૌન જાળવીને બેઠુ છે. બે-પાંચ કેબીનો હટાવે ત્યારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનાં દાવાઓ કરવામાં આવે છે. જયારે આ વિસ્તારમાં ટ્રાફીક નિયમનનું પાલન કરવા માટે ટ્રાફીક પોઈન્ટની ખાસ જરૂરીયાત છે. અને હાલ જે વ્યવસ્થા છે તે અપુરતી છે. પોલીસની પણ કામગીરી છે કે રસ્તાઓ ઉપરના આડેધડ થતા પાર્કીંગો કે દબાણો સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ. પરંતુ મનપાનું તંત્ર કે પોલીસ કોઈજાતની અસરકારક કામગીરી કરતુ નથી. જેના પરીણામે અવાર નવાર માર્ગ અકસ્માતોનાં બનાવો વધી રહયા છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સંબંધીત તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી આ વિસ્તારનાં રહેવાસીઓની છે.


