જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’, સફાઈ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ

નાયબ માહિતી નિયામક એન.એમ. મહેતા સહિત અધિકારીઓ-કર્મચારીઓએ કર્યું વૃક્ષારોપણ અને છોડના ઉછેરનો લીધો સંકલ્પ; કચેરી પરિસરમાં શ્રમદાન કરી હાથ ધરાઈ સઘન સફાઈ

જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’, સફાઈ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ

જૂનાગઢ તા.૨૪
રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી સમગ્ર પરિસરની સાફ-સફાઈ કરવાની સાથે વૃક્ષારોપણ કરીને સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અભિયાન અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરીના પ્રાંગણમાં નાયબ માહિતી નિયામક એન.એમ. મહેતા તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓના હસ્તે વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહેતાં વાવવામાં આવેલા છોડનું યોગ્ય જતન અને ઉછેર કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
પર્યાવરણના સંવર્ધન માટે વૃક્ષોનું મહત્વ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવાની સાથે કચેરી પરિસરને સ્વચ્છ રાખવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કચેરીના કર્મયોગીઓએ સ્વયં શ્રમદાન કરીને વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરી હતી.
આ ઝુંબેશ દ્વારા ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ અને ‘સ્વચ્છ કચેરી, સ્વસ્થ વાતાવરણ’નો સંદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે સફાઈ કામગીરીમાં જોડાઈ કાર્યસ્થળની સ્વચ્છતા જાળવવાની જવાબદારી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ પ્રવૃત્તિમાં એક તરફ સ્વચ્છ કચેરી અને સ્વસ્થ વાતાવરણ માટે શ્રમદાન કરવામાં આવ્યું તો બીજી તરફ વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિના સંવર્ધન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસીયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ યોજાયેલી સફાઈ અને વૃક્ષારોપણ ઝુંબેશમાં કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની ‘સેવા સંકલ્પ અભિયાન’ને આગળ ધપાવ્યું હતું.