થર્ટી ફર્સ્ટને લઈને જૂનાગઢ જીલ્લામાં પોલીસનું સઘન ચેકિંગ : ૧૦૦થી વધુ નશો કરનારા વિરૂધ્ધ કાર્યવાહી
જૂનાગઢ તા.૧
જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ છેલ્લા બે દિવસથી વિવિધ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી અને નશો કરનારા ૧૦૦થી વધુ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જીલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને સઘન એક્શન પ્લાન બનાવ્યો હતો જેમાં ૪ ડીવાયએસપી, ર૭ પીએસઆઈ અને પીઆઈ, ૪૩પ પોલીસ અને ૧ર૦ જેટલા હોમગાર્ડ અને જીઆરડી જવાનોનો બંદોબસ્ત ફાળવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જીલ્લામાં આવેલી ૩૧ જેટલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ગઈકાલે રાતે એસપી, ડીવાયએસપી, વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં અને ચેકપોસ્ટ ઉપર ચેકિંગ કર્યું હતું.

જેમાં બોડીવોર્ન કેમેરા, રીફલેક્ટ જેકેટ, લાઈટબેટન, પ્રોપર બેરીકેટીગ, બ્રેથ એનેલાઈઝર સહિત સજ્જ બનીને ચેકિંગ કર્યું હતું. જેમાં રર જેટલી પેટ્રોલિંગ ટીમ સતત ફરતી હતી. આ ચેકીંગમાં પોલીસે ૧૦૦થી વધુ નશો કરીને નીકળેલા ઈસમોને પકડી તેમનાં વિરૂધ્ધ ગુના દાખલ કર્યા છે. સાથે દેશી અને વિદેશી દારૂના કબ્જાના કેસ કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમ્યાન છરી, ચપ્પુ, લાકડી, ધોકા સાથે નીકળેલા વાહન ચાલકો સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


