‘નયી નવેલી’માં યામી ગૌતમનો ‘ડાયન’ અવતાર, હોરર સાથે કોમેડીનો તડકો

નવવધુ ‘મોહિની’ બની રહસ્યમય અંદાજમાં જોવા મળશે યામી; મેકર્સે ફિલ્મને ‘તનુ વેડ્સ મનુ’ની મસ્તી અને ‘તુંબાડ’ના રહસ્યનું કોમ્બિનેશન ગણાવ્યું

‘નયી નવેલી’માં યામી ગૌતમનો ‘ડાયન’ અવતાર, હોરર સાથે કોમેડીનો તડકો

મુંબઈ, તા.૧૨
અભિનેત્રી યામી ગૌતમની આગામી ફિલ્મ ‘નયી નવેલી’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. બાલાજી મોહનના દિગ્દર્શનમાં બનેલી આ હોરર-મિસ્ટ્રી ફિલ્મમાં યામી એક રહસ્યમય નવવધુ ‘મોહિની’ની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં હોરર સાથે ફૅન્ટસી, રહસ્ય અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટનું મિશ્રણ જોવા મળવાના સંકેત ટીઝરમાં આપવામાં આવ્યા છે.
૧ મિનિટ ૩૧ સેકન્ડના ટીઝરની શરૂઆત એક પરિવારની બેઠકથી થાય છે, જેમાં પરિવારના સભ્યો મોહિની અંગે ચર્ચા કરતા જોવા મળે છે. આ દરમિયાન તેનો દિયર અચાનક મોહિનીને ‘ડાયન’ ગણાવે છે. તેની વાતથી પરિવારના અન્ય સભ્યો નારાજ થાય છે અને તેને ઠપકો મળે છે. જોકે ત્યારબાદ સામે આવતાં દૃશ્યો મોહિની સાથે કોઈ અલૌકિક રહસ્ય જોડાયેલું હોવાના સંકેત આપે છે.
ટીઝરમાં યામી ગૌતમનું પાત્ર હવામાં તરતું પણ જોવા મળે છે. આ દરમિયાન મોહિની રમૂજી અંદાજમાં કહે છે કે તે નાસ્તામાં બે ડાયન, ત્રણ પિશાચ અને ચાર ભૂત ખાઈ જાય છે. આ પ્રકારના સંવાદો દ્વારા ફિલ્મના રહસ્ય અને હોરરને કોમેડી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ટીઝર પરથી જોવા મળે છે.
મેકર્સે ‘નયી નવેલી’ને ‘તનુ વેડ્સ મનુ’ જેવી મસ્તી અને ‘તુંબાડ’ જેવા રહસ્યના કોમ્બિનેશન તરીકે રજૂ કરી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક સામાન્ય દેખાતો પરિવાર અને તેના ઘરમાં આવેલી નવી વહુ મોહિની છે. મોહિનીના આગમન બાદ ઘરમાં બનતી વિચિત્ર ઘટનાઓ ધીમે-ધીમે પરિવારને રહસ્યની દુનિયામાં લઈ જાય છે.
યામી ગૌતમનો આ અલગ અંદાજ પણ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની શકે છે. ટીઝરમાં તેના પાત્રને એક તરફ સામાન્ય નવવધુ તરીકે તો બીજી તરફ અલૌકિક શક્તિઓ સાથે જોડાયેલા રહસ્યમય પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
‘નયી નવેલી’ને ૧૬ ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દશેરાના સમયગાળામાં અન્ય મોટી ફિલ્મો વચ્ચે આ હોરર-મિસ્ટ્રી અને કોમેડીનું મિશ્રણ દર્શકોને કેટલું આકર્ષે છે તેના પર હવે નજર રહેશે.