બાદલપુરના વતની અને જાણીતા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચુકવ્યું : ૪ ગામના ખેડૂતોને રૂા.૧૧,૦૦૦ની સહાય ચુકવાઈ

કમોસમી વરસાદના કારણે નુકશાનીનો માર વેઠી રહેલા ખેડૂતોને રાહત મળી : વતન પ્રત્યે લાગણી અને ઋણ અદા કરનાર દિનેશભાઈ કુંભાણીનાં કાર્યની સર્વત્ર સરાહના

બાદલપુરના વતની અને જાણીતા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચુકવ્યું : ૪ ગામના ખેડૂતોને રૂા.૧૧,૦૦૦ની સહાય ચુકવાઈ

જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ જીલ્લામાં બીલખા નજીક આવેલા મૂળ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવાની ભાવના સાથે ખેડૂતોની મદદે આવીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ૬ નવેમ્બરના રોજ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરોમાં થયેલી નુકસાની સામે સહાયરૂપે તેમણે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ  રૂા. ૧૧,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી હતી. ગઈકાલે બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં, પરંતુ તેના સીમાડામાં આવેલા અન્ય ત્રણ ગામો સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર સહિતના કુલ ચાર ગામના ૧૨૦૦થી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર ર્નિણય લીધો હતો. આ ચેક વિતરણ કાર્યક્રમમાં દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ૧૨૦૦થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 
રૂા. ૧૧,૦૦૦ની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ સહાયમાં હેક્ટરની કોઈપણ મર્યાદા રાખવામાં આવી ન હતી, જેટલા હેક્ટરમાં નુકશાની થઈ હોય એટલી સહાય ચૂકવવામાં આવી હતી.
ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ ગુજરાતમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, ખેડૂતોના ઊભા પાકમાં પારાવાર નુકસાન થયું હતું. આ નુકસાનના દૃશ્યો જાેઈને મને મારા ગામ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાની તીવ્ર ઈચ્છા થઈ.
મારી જન્મભૂમિ અને મારું માદરે વતન એ બાદલપુર ગામ છે. અમારા મકાન, અમારી જમીન બધું અહીં બાદલપુરમાં છે. મારા મનમાં એક ભાવ થયો કે, બાદલપુરની સાથે-સાથે પ્રભાતપુર, સાંખડાવદર અને સેમરાળા – આ ચારેય ગામના ખેડૂત પરિવારોને આ કપરા સમયમાં મદદરૂપ થઈને સાથે ઊભા રહેવું જાેઈએ. આ ભાવના સાથે જ મેં જાહેરાત કરી હતી કે, ખેડૂતોને જે ખેતરમાં નુકસાની થઈ છે, તેને લઈ એક હેક્ટર દીઠ રૂા. ૧૧,૦૦૦ની સહાય આપવામાં આવશે.
આજે આ સંકલ્પને સાકાર કરવા માટે, આ ચારેય ગામના ખેડૂતોને અહીં બોલાવીને સહાયના ચેક વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, પરબધામના મહંત કરસનદાસ બાપુ તેમજ સમાજની અન્ય સંસ્થાઓના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મારા પિતાને સ્વર્ગવાસ થયાને ૮ વર્ષ વીત્યા છે અને મારા દાદા ૧૯૯૬માં અવસાન પામ્યા હતા. ત્યારથી જ અમારા કુળ અને અમારા વડવાઓની એક પરંપરા રહી છે કે જરૂરિયાતમંદોને હંમેશા મદદરૂપ થવું. આ પરંપરાને જીવંત રાખવાનો આ મારો એક પ્રયાસ છે.જ્યારે મેં આ કાર્યક્રમ નક્કી કર્યો અને ખેડૂતોને મદદરૂપ થવાની વાત સૌપ્રથમ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને કરી, ત્યારે તેમણે આ વાતને આવકારી. ત્યારબાદ મેં મારા પરિવારને આ વાત કરી. મને આનંદ છે કે, મારા પરિવારના તમામ લોકોએ આ વાત સાંભળતા એક ક્ષણની પણ રાહ જાેયા વગર કહ્યું કે ‘આપણે આ કાર્ય તાત્કાલિક કરવું જાેઈએ. આ કામમાં મોડું કરવું નથી. આ અમારા પરિવારની એકસંપ અને ભાવનાનું પ્રતીક છે. પરિવાર એક સંપથી અને ભાવનાથી રહેતું હોય, ત્યારે જ આ બધા કાર્ય શક્ય બનતા હોય છે.
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે દિનેશ કુંભાણીના આ કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, "આજે કુંભાણી પરિવાર અને ખોડલધામ માટે ખૂબ મોટો દિવસ છે. તાજેતરમાં જે વરસાદ અને માવઠાની કુદરતી આફત ખેડૂતો પર અણધારી આવી હતી, ત્યારે ખેડૂતોની માઠી દશા થતાં ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી હતી કે, જે લોકો વતનમાંથી દૂર કમાવા માટે ગયા હોય અને પ્રભુની જેના પર કૃપા વરસી હોય તેવા લોકો ખેડૂતોને સહાય કરવા આગળ આવી વતનનું ઋણ ચૂકવે. અમારા મુખ્ય ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ આ અપીલને ઝીલી લીધી અને ખેડૂતોને સહાય કરવા પહેલ કરી છે. તેમણે તેમના ગામ સિવાયના અન્ય ત્રણ ગામોનો સમાવેશ કરી કુલ ચાર ગામોના ખેડૂતોને હેક્ટર દીઠ રૂા. ૧૧,૦૦૦ ની સહાય આપવાનું નક્કી કર્યું, જે સહાયની રકમ ખેડૂતોને આપવામાં આવી છે.કુંભાણી પરિવારને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે.
દરમ્યાન દિનેશ કુંભાણી દ્વારા મળેલી આ ત્વરિત સહાયથી ખેડૂતોમાં આનંદ અને સંતોષની લાગણી જાેવા મળી હતી. આ પ્રસંગે કેટલાક ખેડૂતોએ સરકારી સહાયની ધીમી ગતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. દરમ્યાન દિનેશભાઈ કુંભાણીની ઉદારસહાયથી કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન સામે ખેડૂતોને હાલ રાહત મળી છે. દિનેશભાઈ કુંભાણીએ સમગ્ર સમાજને એક ઉત્તમ ઉદાહરણ પણ પુરૂ પાડયું છે.