પત્નિને દુ:ખત્રાસ આપી મરવા માટે મજબુર કરનાર આરોપી કોન્સટેબલ પતિની ધરપકડ
પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈ પરણીતા દ્વારા જીવનનો અંત આણવાની ઘટનામાંં મૃતક યુવતીનાં પિતાની ફરીયાદ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ દ્વારા તેમની પત્નિને દુ:ખ ત્રાસ આપી અને મરવા માટે મજબુર કરવા અંગેની ફરીયાદ દાખલ થઈ હતી. પરણીતાએ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધાના બનાવનાં પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યગાન ગઈકાલે પોલીસે પત્નિને મરવા માટે મજબુર કરવાના બનાવ અંતર્ગત મૃતક યુવતીનાં પતિ અને મેંદરડા પોલીસમાં ફરજ બજાવતા પો.કો.ની ધરપકડ કરી અને તેને રીમાન્ડની માંગણી માટે અદાલતમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જિલ્લામાં એક અત્યંત દુ:ખદ કિસ્સો સામે આવ્યો હતો જ્યાં લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ગુનાનો આરોપી અને મેંદરડા હેડક્વાર્ટર્સમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ આશિષ લખમણ દયાતરની ચોરવાડ પોલીસે ઝડકા ગળુ રોડ નજીકથી ધરપકડ કરી લીધી છે. પત્ની ભાવિશાને મરવા મજબૂર કરવા બદલ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ભાવિશાના પિતાએ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ભાવિશાના પિતાએ જમાઈના અન્ય ત્રણથી ચાર સ્ત્રીઓ સાથેના આડાસંબંધો અને અમાનવીય ત્રાસ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેના પુરાવા તરીકે એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરવામાં આવી હતી.
મૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જમાઈ આશિષ દયાતરના અમાનવીય કૃત્યોનું વર્ણન કર્યું હતું. ભરતસિંહે જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી ભાવિશાના લગ્ન પોલીસ કોન્સ્ટેબલ આશિષ સાથે થયા હતા. લગ્ન બાદ આશિષે ભાવિશાને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
ભરતસિંહે આક્ષેપ કર્યો હતો કે આશિષ ભાવિશાને ઢોર માર મારતો, તેની છાતી પર કલાકો સુધી બેઠો રહેતો અને પોલીસ કેદીને માર મારે તેમ માર મારતો હતો. ભાવિશાને ૨૮ દિવસ સુધી સતત માર મારવામાં આવ્યો હતો. ભાવિશાએ પિતાને એ પણ જણાવ્યું હતું કે આશિષ માર મારવાની સાથે બટકા પણ ભરતો હતો.
પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને ભાવિશાએ ગત ૨૮ તારીખે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભરતસિંહે જણાવ્યું કે જ્યારે ભાવિશાને સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા આશિષના પોલીસ સ્ટાફના સાહેબોએ તેમની દીકરી ભાવિશાને સમજાવી કે, "આશિષ અમારા પોલીસ સ્ટાફનો છે, કંઈ કરતા નહીં. પોલીસ સ્ટાફે ત્યારે સમજાવતા તેની વાત માનીને ભરતસિંહે દીકરીને માળિયા હાટીના નજીક આવેલા ભીખોર ગામે લઈ આવ્યા હતા. ભીખોર આવ્યા બાદ ભાવિશાએ પિતાને આશિષના તમામ કાળા કામો અને ત્રાસની કહાની જણાવી હતી.
તે સમયે ભાવિશાએ પોલીસ કેસ કરવાની વાત કરી હતી, પરંતુ પિતા ભરતસિંહે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય બે દીકરીઓના લગ્નને ધ્યાનમાં રાખીને દીકરીને કેસ ન કરવા માટે સમજાવી હતી. આ ર્નિણય બાદ ભાવિશા નિરાશ થઈ ગઈ હતી અને આશિષને ફોન-મેસેજ કર્યા, પરંતુ આશિષે કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે નિરાશ થઈને ભાવિશાએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. આ સમગ્ર કેસમાં સૌથી મોટો પુરાવો મૃતક ભાવિશાના પતિ આશિષ દયાતર અને ભાવિશાના પિતા ભરતસિંહ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપમાં આશિષ દયાતરે પોતે જ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધો હોવાનું કબૂલ્યું હતું.ઓડિયો ક્લિપમાં આશિષ કહે છે કે, હું કબૂલું છું કે મારે જૂનાગઢમાં લફરૂ છે, મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે. આશિષે તેના સસરાને વિનંતી કરી હતી કે તમે કોઈને મારે લફરું છે તેવી વાતો ન કરતા. મને બીક લાગી ગઈ છે, મને ઘરે ખીજાશે. જાેકે, આ કબૂલાત અને ત્રાસ આપવાનું બંધ કરવાની ખાતરી માત્ર ‘એક્ટિંગ‘ હોવાનું ભાવિશાએ તેના પિતાને કહ્યું હતું. અંતે આશિષે ફોનનો જવાબ ન આપતા ભાવિશા નિરાશ થઈ અને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. માળિયા હાટીના પોલીસે મૃતક ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર વિરુદ્ધ પત્નીને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પતિ આશિષ દયાતરની ધરપકડ કરી લીધી છે. ભરતસિંહે સરકારને અપીલ કરી છે કે, તેમની દીકરી ભાવિશાને ન્યાય મળવો જાેઈએ અને અન્ય દીકરીઓ પર આ દુ:ખ ન પડે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કોન્સ્ટેબલ જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ દ્વારા પત્નીને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાના આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.


