બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ ખાતે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન
જૂનાગઢ, તા.૬
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે તારીખ ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (અમદાવાદ) અને કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત એક સુંદર ઉદ્ઘાટન સમારંભથી કરવામાં આવી હતી, જેમાં કોલેજના આચાર્ય અને વિવિધ વિભાગના વડાઓની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે પોતાના વક્તવ્યમાં તત્વજ્ઞાન વિભાગના વડા ડૉ. બારસિયાએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનું વૈજ્ઞાનિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં અનુશાસન અને મૂલ્યોનું સિંચન કરવા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જે. આર. વાંઝાએ રુધિરમાં હિમોગ્લોબીનનું મહત્વ અને તેની જાળવણી વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓનો ડર દૂર કરતા ઉમેર્યું હતું કે જાે થેલેસેમિયા ટેસ્ટ માઇનોર આવે તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી. તેમણે એક અત્યંત મહત્વપૂર્ણ સામાજિક સંદેશ આપતા ખાસ કરીને જણાવ્યું હતું કે, આજના સમયમાં લગ્ન સમયે માત્ર કુંડળી મેળવવી પૂરતી નથી, પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત રાખવા માટે થેલેસેમિયા રિપોર્ટ મેળવવો અને તેની સરખામણી કરવી પણ અત્યંત આવશ્યક છે. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદથી પધારેલા શ્રી સંજયભાઈએ પણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. પોતાના વક્તવ્યમાં શ્રી સંજયભાઈએ થેલેસેમિયા રોગ વિશે જાગૃતિ, તેના લક્ષણો અને અટકાવવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે રેડ ક્રોસ સોસાયટીની કામગીરી અને સમાજ પ્રત્યેના તેમના યોગદાન વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને યુવાનોને આવા આરોગ્યલક્ષી કાર્યોમાં આગળ આવવા પ્રેરિત કર્યા હતા.
ઉદ્ઘાટન સમારંભ અને મહાનુભાવોના પ્રેરક વક્તવ્યો પૂર્ણ થયા બાદ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોક્ટર મિત્રોની નિષ્ણાત ટીમ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ માટે રક્ત એકત્રીકરણ અને ચેકઅપની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષના કુલ ૨૬૭ જેટલા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ દર્શાવીને સફળતાપૂર્વક પોતાનો થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમને અત્યંત સફળ બનાવવા માટે કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કમિટીના પ્રા. ભાવિક ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની સાથે અન્ય અધ્યાપકગણ જેમાં ડૉ. ભરત રાઠોડ, ડૉ. મેઘરાજસિંહ જાડેજા, ડૉ. જીગ્નેશ કાચા, ડૉ. રાજીવ ડાંગર, ડૉ. મોહસીન આઝાદ કુરેશી, ડૉ. અશ્વિન વિંઝુડા અને પ્રા. નેહાબેન ખાંભલાની કામગીરી અને સહકાર વિશેષ રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દીનાબેન લોઢીયા દ્વારા કરવામાં આવી હતી. આ રીતે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પ કોલેજના મધ્યસ્થ ખંડમાં અત્યંત સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.


