માંગરોળ અને માળીયાહાટીના ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું
નાગરીકો વાંચન સંસ્કૃતિના વિકાસ અને જ્ઞાનના પ્રસાર સાથે જોડાઈને પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા માટે મદદનીશ નિયામકનો અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.27
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળીયાહાટીના ખાતે સરકારી તાલુકા ગ્રંથાલય ખુલ્લુ મુકવામાં આવતા યુવાનો વિદ્યાર્થીઓ અને નાગરિકોની આતુરતાનો અંત આવ્યો છે.
રાજ્યની રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ આવતા ગ્રંથાલય ખાતા દ્વારા નિયામક ડો. પંકજ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ માંગરોળ અને માળીયાહાટીના ખાતે તાલુકા કક્ષાનું પુસ્તકાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયથી હવે વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે તેઓ ત્યાં બેસીને પોતાનો અભ્યાસ અને વાંચન પણ કરી શકશે. નાગરિકો પુસ્તકોના માધ્યમથી પોતાના જ્ઞાન અને વધુ સુદ્રઢ શકશે. આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાનાના હસ્તે પુસ્તકાલયને ખુલ્લુ મુકવામાં આવેલ હતું. આ તકે મદદનીશ ગ્રંથાલય નિયામક ડો. આર.ડી. પરમાર તેમજ પી.એન. પંડ્યા, બી.જી. સંઘવી અને પી.જી. મહીડા સહિતનાએ ઉપસ્થિત રહીને પ્રજાજનોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારૂલબેન દ્વારા કરવામાં આવ્યું હતું.


