મોંઘવારી કાબુ બહાર : ઈંધણના ભાવ વધારાથી મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ જશે

મોંઘવારી કાબુ બહાર : ઈંધણના ભાવ વધારાથી મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ જશે

(એજન્સી)      નવી દિલ્હી તા.16
ઈંધણનો ભાવ વધારો મધ્યમવર્ગના બજેટ ખોરવી નાખશે. તાજેતરમાં દુધ-સીએનજી-પીએનજી-કોમર્શીયલ ગેસનો ભાવ વધ્યા બાદ પેટ્રોલ-ડિઝલ મોંઘુ થતાં લોકોને દાઝયા પર ડામ લાગ્યો છે. સામાન્ય લોકોને હવે બે છેડા ભેગા કરવા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. મોંઘવારીનું વિષચક્ર તમામ સેક્ટરને દઝાડી રહ્યું છે અને મોંઘવારીએ માઝા મુકી છે. ઈરાન - અમેરિકા- ઈઝરાયેલ વચ્ચે માર્ચ મહિનાથી શરૂ થયેલા યુધ્ધથી ભારતના સામાન્ય નાગરિકો ઉપર પ્રત્યાઘાતી અસર પડી રહી છે. અગાઉ દૂધ, સીએનજી, પીએનજીના ભાવ વધારા બાદ આજે સવારથી જ પેટ્રોલ -ડીઝલના ભાવમાં એક લીટરે રૂા.૩ના કરાયેલા વધારાથી સાવર્ત્રિક ભાવ વધારાનું વિષચક્ર શરૂ થયું છે. આ ભાવ વધારો તમામ નાગરિકોના બજેટને ખોરવી નાંખશે. ગરીબ હોય કે મધ્યમ વર્ગના નાગરિકોએ હોય તેમને મોંધવારીમાં બે છેડાં ભેગા કરવા ભારે કવાયત કરવી પડશે. ડીઝલનો ભાવ વધતાં તમામ સેકટરની ચીજ વસ્તુઓ ,સેવાઓ મોંથી બનશે તે નક્કી છે. મોંધવારીના અજગર ભરડામાં તમામ સેકટરનો સમાવેશ છેવટે માનવીઓનું જીવન દોહ્યલુ બનાવી દીધું છે.
સામાન્ય નજરે પેટ્રોલ - ડીઝલનો ભાવ વધારો વાહન ચાલકના માસિક ઈંધણ ખર્ચમાં માત્ર વધારો નથી કરતો પણ તમામ ચીજ વસ્તુઓ મોંઘી થશે. જે જીવન જરૂરી હોય કે ઔદ્યોગિક વપરાશની હોય પણ તેનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જશે. દેશમાં 65 ટકા માલસામાનની હેરફેર ટ્રક દ્વારા રોડથી કરાય છે. ટ્રકો ડીઝલનો ઉપયોગ કરે છે. જેથી આ ભાવ વધારો માત્ર ટ્રાન્સપોર્ટેશન પુરતો નથી પણ કોસ્ટ ઓફ લિવિગ એટલે કે જીવન ખર્ચ વધારશે. ટ્રક દ્વારા જ શાકભાજીની હેરફેર થાય છે. આ ઉપરાંત દૂધના પેકેટની રવાનગી પણ ટ્રક દ્વારા થાય છે. ઓનલાઈન ફૂડ - જીવન જરૂરી ચીજોના ઓર્ડર પણ હવે મોંઘા થશે. સપ્લાય ચેનને ધ્યાનમાં રાખીને ગ્રાહકો પાસેથી જ ઓનલાઈન - ઈ કોમર્સના વેપારમાં ખર્ચ ઉમેરવામાં આવશે.