માત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આગમન સમયે જ શહેરના માર્ગોને ચકાચક બનાવવામાં આવે છે - આવુ શું કામ ?
મુખ્યમંત્રી જયાંથી પસાર થવાના છે ત્યાં બધુ ચકાચક થઈ ગયું છે, બાકી આખા શહેરમાં કચરાના ઢગલા
જૂનાગઢ તા. ર૮
જયારે જયારે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવવાના હોય છે ત્યારે જ કોર્પોરેશનનું તંત્ર ઉંધામાથે થાય છે. અને શહેરના માર્ગો અને સુંદરતામાં વધારો કરવા માટે ધમપછાડા કરે છે. પરંતુ આવુ શા માટે? શું વીઆઈપી મુલાકાત સિવાય કોર્પોરેશનના તંત્રને જૂનાગઢ શહેરને સુવિધાયુક્ત બનાવવાનું કેમ સુજતું નથી? તેવો સવાલ લોકોમાં પુછાઈ રહ્યો છે.
આજે જૂનાગઢ શહેર માટે અનોખો દિવસ હોય તેવું લાગી રહયું છે શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ગઈકાલથી જ સતત સફાઈ થઈ રહી છે. કયાંય પણ કચરો ન દેખાય, ગંદકી ન દેખાય તે માટેના પ્રયાસો જાેરજાેરથી થઈ રહયા છે. કોર્પોરેશન તંત્ર ભારે જહેમત ઉઠાવી રહેલ છે. સ્વચ્છતા અભિયાન છેલ્લા ર૪ કલાકમાં કેવી રીતે થઈ રહયું છે તે આજે જૂનાગઢમાં જાેવા મળી રહયું છે. આજે જે તાયફા થઈ રહયા છે શહેરને સ્વચ્છ બનાવવા તેનું કારણ પણ સામે આવ્યું છે. આજે જૂનાગઢ શહેરની મુલાકાતે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહયા છે અને મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન જૂનાગઢ કોર્પોરેશનની કામગીરી ન વગાવાય તે માટે ધરખમ પ્રયાસો કરવામાં આવી રહયા છે. મુખ્યમંત્રી સમક્ષ વ્હાલા થવાના આ દેખાડા, જનતા સમક્ષ તો ખુલ્લા પડી ગયા છે અને લોકોમાં સારી એવી ટીકા પણ થઈ રહી છે. જૂનાગઢ શહેર એટલે આડેધડ કામો, ખરાબ રસ્તા અને ખાડાગઢ નામે ઓળખાતા આ શહેરમાં પ્રાથમિક સુવિધાનાં નામે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને જે અંગેની ફરીયાદ મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર વ્યકત પણ થઈ છે. વિવિધ ઉજવણીનાં કાર્યક્રમોમાં મસ્ત રહેલું કોર્પોરેશન તંત્ર આજે શહેરને ચકાચક બનાવવાનાં જે પ્રયાસો કરી રહયું છે તેની પોલ પણ મુખ્યમંત્રી સમક્ષ ખુલેલી છે જ તેમ છતાં આજે જયારે મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવી રહયા છે ત્યારે પીટીસી હેલિપેડથી લઈ સરદાર પટેલ ચોક, કોલેજ રોડ, મોતીબાગ વિસ્તાર, નરસિંહ મહેતા સરોવરનો વિસ્તાર, સરદારબાગનાં રસ્તા સહિતનાં માર્ગો ઉપર મુખ્યમંત્રીનો કાફલો જયાંથી પસાર થવાનો છે, ત્યાં સાફ સફાઈથી લઈને અનેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે. અને રસ્તાઓમાં તો રાતોરાત ડામરનાં થીગડા પણ લાગી ગયા છે. કહેવાનો મતલબ એ છે કે જે રીતે મુખ્યમંત્રીનાં આગમન સમયે શહેરને સુંદર દેખાડવા માટે કોર્પોરેશન તંત્ર રાત - દિવસ એક કરી રહ્યું છે. પરંતુ તેવા પ્રયત્નો આમ દિવસોમાં થતા નથી. ત્યારે લોકોમાં એવો સવાલ ચર્ચાય રહ્યો છે કે આવું શું કામ ? શું જૂનાગઢ શહેરને ચકાચક બનાવવાની કાર્યવાહી માત્ર વીઆઈપી સમક્ષ દેખાડો કરવા માટે જ છે ? અને પ્રજાનું શું ? નાગરીકો સુવિધા આપવામાં કોર્પોરેશન તંત્ર કેમ હંમેશા કુંભકર્ણની નિંદ્રામા સુતેલુ રહે છે. જૂનાગઢના મોટાભાગના વિસ્તારો રોડ-રસ્તા-ગટરથી વંચિત છે. અને જયાં કામો થયા છે ત્યાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા રોજીંદી બની ગઈ છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી કોર્પોરેશનના સત્તાધિશોને આ દિશામાં કાર્ય કરવા અને ભાજપના પદાધિકારીઓના કાન આંબળશે તેવી ફરી એકવાર લોકોને અપેક્ષા છે.



