રંગારંગ માહોલ વચ્ચે “વિરાસતથી વિકાસ-૨૦૨૬” લોકમેળાનું સમાપન : સખી મંડળોનો વેપાર ડિજિટલ બન્યો, બહેનો આર્ત્મનિભરતા તરફ આગળ વધી
શ્રાવણ ઉત્સવમાં ૬૦થી ૬૫ ટકા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાથે સાકાર થતો ‘ડિજિટલ ઈન્ડિયા‘નો સંકલ્પ લોકમેળાના મંચથી ઈ-કોમર્સના મંચ સુધી સખી મંડળો હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે
રાજકોટ તા.૯
રંગીલા રાજકોટના આંગણે રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલ જન્માષ્ટમી લોકમેળો ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ ભવ્ય પ્રતિસાદ અને રંગારંગ માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ લોકમેળામાં આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘આર્ત્મનિભર ભારત’ના સંકલ્પની ઝાંખી જોવા મળી હતી. આ વર્ષે મેળામાં સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવેલા કુલ વેચાણમાંથી આશરે ૬૦ થી ૬૫ ટકા પેમેન્ટ ઓનલાઈન (યુપીઆઈ/ક્યુઆર કોડ) મારફતે થયું છે, જેના થકી ટેકનોલોજી આધારિત સશક્તિકરણની નવી ઓળખ ઊભી થઈ છે. મેળામાં જામનગરથી આવેલા ‘સોમનાથ સખી મંડળ’ના બહેન અર્ચનાબેન જોશીએ જણાવ્યું હતું કે, અમારા સખી મંડળની બહેનો દ્વારા કોટનમાંથી મહિલાઓ માટે સુંદર વસ્ત્રો તૈયાર કરીને પ્રદશિર્ત કરવામાં આવ્યા હતા. આ મેળામાં ગ્રાહકો તરફથી અમને અપેક્ષા કરતાં પણ વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. અર્ચનાબેને ઉમેર્યું કે, અગાઉ અમારા માટે રોકડ સાચવવી અને તેની ગણતરી રાખવી મુશ્કેલ બનતી હતી. પરંતુ આ વખતે ગ્રાહકોએ ડિજિટલ પેમેન્ટ કરવાનું વધુ પસંદ કર્યું છે, ડિજિટલ ચુકવણીને કારણે સખી મંડળની બહેનો માટે રોકડ સંભાળવાની ઝંઝટ ઘટી ગઈ અને વેપાર સરળ બન્યો છે. વિશેષ નોંધનીય છે કે, આ લોકમેળામાં ભાગ લેનારા તમામ સખી મંડળો ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ પર પણ જોડાઈ ચૂક્યા છે, જેથી મેળા બાદ પણ તેઓ પોતાના ઉત્પાદનોનું દેશભરમાં વેચાણ કરી શકશે. સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીના આ અનોખા સંગમે રાજ્યના નાના વેપારીઓ અને મહિલા કારીગરો માટે આર્ત્મનિભરતાનો નવો માર્ગ મોકળો કર્યો છે. ગુજરાત સરકારના લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન‘ હેઠળ રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલા સખી મંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે શ્રાવણ ઉત્સવ-૨૦૨૬માં ૬૬ જેટલા સ્ટોલની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સખી મંડળની બહેનો માટે તંત્ર દ્વારા રહેવા તેમજ જમવાની સંપૂર્ણ નિ:શુલ્ક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. મેળાના સમાપન પ્રસંગે વેપારીઓ અને મુલાકાતીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંપરાગત વારસાને જાળવીને આર્ત્મનિભરતા અને ડિજિટલ ઇન્ડિયાને વેગ આપતો આ લોકમેળો મુલાકાતીઓ માટે અઢળક યાદો છોડી ગયો છે.


