રાજય સરકાર દ્વારા પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓનાં ઝડપી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવાઈ

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જીલ્લા માટે આઈપીએસ કક્ષાનાં અધિકારી સહીત ૩૪ જીલ્લાની એસપી કચેરીની દેખરેખ માટે અધિકારી મુકાયા

રાજય સરકાર દ્વારા પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓનાં ઝડપી નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવાઈ
Swarajya

જૂનાગઢ તા. ૬
પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓ ઉપર પુરતુ ધ્યાન દેવામાં આવતું નથી તેમજ સમયસર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની વ્યાપક ફરીયાદો વારંવાર ઉઠતી રહે છે. આ તમામ ફરીયાદોનાં નિવારણ માટે અને પોલીસ સ્ટેશનમાં આવતી અરજીઓ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી અને ન્યાયની પ્રક્રિયા અને કાનુની કાર્યવાહી તેમજ અસરકારક પગલા લઈ શકાય તે માટે રાજય સરકાર દ્વારા ગુજરાતનાં ૩૪ જીલ્લાની એસપી કચેરી ઉપર દેખરેખ રાખવા માટે ૩પ સીનીયર આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ રેન્જ વિસ્તારમાં જૂનાગઢ જીલ્લામાં આઈપીએસ અધિકારી શ્રી તરૂણકુમાર દુગલની નિમણુંક કરવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લા માટે આઈપીએસ શ્રી આર.પી. બારોટની નિમણુંક થઈ છે. જયારે પોરબંદર જીલ્લા માટે આઈપીએસ શ્રી હિતેષ જાેયસરની નિમણુંક કરવામાં આવી છે. અને આગામી સમયમાં જ આ અધિકારીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી કાર્યવાહી હાથ ધરવામાં અવશે તેવા નિર્દેશો મળી રહયા છે. રાજય સરકાર દ્વારા પોલીસ સ્ટેશનોમાં આવતી અરજીઓનાં નિકાલ માટેની વ્યવસ્થા જે કરવામાં આવી છે તે અંગેની પ્રાપ્ત વિગત અનુસામ્ રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના ૩૪ જિલ્લાઓની એસપી કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે ૩૫ સિનિયર આઈપીએસને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ મહિનામાં બે વાર પોતાને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની માહિતી મેળવશે. જરૂર પડશે તો અરજદારની પણ મુલાકાત કરશે. 
જે અરજીઓ દફતરે કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરશે. જેથી પોલીસ સ્ટેશનમાં થતી અરજી પર એકશન લેવામાં વિલંબ થતો હોવાની જે ફરિયાદો ઉઠતી હતી તેનું નિરાકરણ આવે તેવી શક્યતા છે. જે સિનિયર આઈપીએસને જવાબદારી સોંપવામાં આવી છે તેને પોતાના જિલ્લામાં મહિનામાં બે દિવસ મુલાકાત કરવાની રહેશે. માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ મોકલી આપવાનો રહેશે. સંબંધિત અધિકારીએ પોલીસ અધીક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લેવી નહી. મુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભ (PG Portal, SWAGAT 2.0 Escalation Matrix, MP-MLA Reference, CMO Swagat Reference સહિત), નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભ, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના રેફરન્સ, પોલીસ અધિક્ષકની કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ અરજદારની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ થયેલ છે કે કેમ? તે જાેવાનું રહેશે તેમજ દફતરે થયેલ અરજીઓ પૈકી ૧૦ થી ૧૫ અરજદારનો રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે. દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આ મુજબ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે. 
ઉક્ત વીઝીટ અંગેની સૂચના સંબંધિત પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને મોકલી આપવાનો રહેશે. સદરહુ અહેવાલમાં આપેલ સૂચનાનું અચૂક પાલન થયું છે તેની સમીક્ષા આગામી રૂબરૂ મુલાકાત દરમ્યાન કરવાની રહેશે તેમ જાણવા મળે છે. વિશેષમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તેઓને મળેલ તમામ અહેવાલોની ચકાસણી કરી રીમાર્ક સાથે સંયુકત અહેવાલ ગૃહ વિભાગને મોકલી આપવાનો રહેશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ સ્ટેશનોમાં થતી અરજીઓનાં નિકાલ તેમજ કોઈપણ અરજી હવે દબાવી નહી શકાય તેવી વ્યવસ્થાનાં ભાગરૂપે સરકારની આ કાર્યવાહીને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે લેવાનારા પગલામાં પણ મોટો બદલાવ આવશે તેમ મનાઈ છે.