રાત્રીના સમયે એક્સરસાઇઝ કરવી થઈ શકે હાનિકારક સાબિત!

પ્રવર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાકએરેસ્ટ – હ્રદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે, તેની પાછળ દિનચર્યા અને ઋતુચર્યા પ્રકૃતિના નિયમ મુજબ નથી કરતા તે પણ એક કારણ રહેલું છે : આયુર્વેદિક ડૉ. પંકજ કોઠારી

રાત્રીના સમયે એક્સરસાઇઝ કરવી થઈ શકે હાનિકારક સાબિત!

જૂનાગઢતા.૨૬

જ્યારે પ્રકૃતિના નિયમોને અનુસરવામાં ચૂકકરીએ છીએ ત્યારે વિપરીત પરિણામો મળે છે, શારીરિક સ્વાસ્થયના સંદર્ભમાં આયુર્વેદ પણ તેવું જ કંઈક કહે છે, વર્તમાનસમયમાં આરોગ્યલક્ષી સમસ્યાઓ જુદાજુદા સ્વરૂપમાં વધી છે, ત્યારે ફરી પ્રકૃતિ અને આયુર્વેદના સિદ્ધાંતોને અનુસરવા માટે 'સમય'  આપણને ટકોર કરી રહ્યો છે.

હાલની આરોગ્યલક્ષી સમસ્યાઓ પ્રત્યે અંગુલી નિર્દેશ કરતા જૂનાગઢ આયુર્વેદ કોલેજના ક્રિયાશરીરવિભાગના ડૉ. પંકજ કોઠારી જણાવે છે કે, વર્તમાનસમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાકએરેસ્ટ – હૃદયસંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે, તેની પાછળ વ્યક્તિ પોતાની દિનચર્યા અને ઋતુચર્યા પ્રકૃતિ મુજબ નથી કરતો તે પણ એક કારણ રહેલું છે.

ડૉ. પંકજ કોઠારી અને ટીમે જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયોજિત આયુષમેળામાં આયુર્વેદના સિદ્ધાંતો અને પ્રકૃતિમુજબ દિનચર્યા કેવી હોવી જોઈએ, તેની એક બાયોલોજીકલ ક્લોકના માધ્યમથી સરળ સમજૂતી આપી છે.

તેઓ આ સંદર્ભમાં કહે છે કે, સવારે ૧૦ થી બપોરના ૨કલાક સુધીનો સમયએ પિત્તનો સમય છે, આ સમય પાચન માટે ખૂબ યોગ્ય સમય છે, જો આદર્શસ્થિતિ મુજબ સવારે ૧૦ થી ૧૧ કલાકની વચ્ચે ભોજન લેવું જોઈએ, આમ કરવાથી આપણે સાંજનું ભોજન ૫ થી ૬ કલાક દરમિયાન કરવા માટે આપણે તૈયાર થઈ શકીએ છીએ, કારણકે ભોજન પચવામાં ૫ થી ૬ કલાક સુધીનો સમય લાગે છે.

જો ભોજન બપોરના ૧૨ કલાક થી મોડું લઈએતો નુકસાન દેહ સાબિત થઈ શકે છે કારણકે,  સાંજનું ભોજન ૭-૮ વાગ્યા પહેલા નહીં કરી શકીએ. પ્રકૃતિના નિયમમુજબ પણ સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ.

બાયોલોજીકલ ક્લોક મુજબ તેમણે બ્રહ્મમુહૂર્ત એટલે કે સવારે ૪ વાગ્યે ઉઠવાને ફાયદારૂપ ગણાવતા કહ્યું હતું કે, વહેલી સવારે ધ્યાન કરવું જોઈએ, આ સાથે જ વિદ્યાભ્યાસ માટે પણ આ શ્રેષ્ઠ સમય છે,  આ સમય દરમિયાન એકાગ્રતાશક્તિ ખૂબ સારી હોવાથી વિદ્યાગ્રહણ માટેની શક્તિ પણ વધે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જીમમાં જવા છતાં અને સારો ખોરાક લેવા છતાં આરોગ્યલક્ષી તકલીફો રહે છે. આયુર્વેદ મુજબ કસરત કરવાનો ચોક્કસ સમય હોય છે. કોઈપણ સમયે કે રાત્રિના એક્સરસાઇઝ કરવી હાનિકારક સાબિત થઈ શકે છે. કસરત સવારના ૬ – ૭ વાગ્યા દરમિયાન કરવી જોઈએ.

તેમણે કહ્યું કે, અસલમાં બાયોલોજીકલ ક્લોક પ્રકૃતિ અને આપણા શરીર વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે.  આપણને દિવસ, ઋતુઓ અને રાત્રીચર્યામાં પ્રકૃતિના નિયમો મુજબ અનુસરવા માટે સમજૂતી આપે છે.

આમ,  ઋતુચક્રને પ્રકૃતિના આ નિયમો સાથે જોડીશું, તો નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકાશે.