વડાપ્રધાન મોદી ૧૧ જાન્યુઆરીએ સોમનાથ આવશે સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ
તા.૮ થી ૧૧ જાન્યુઆરી સુધી સોમનાથ મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
(એજન્સી) નવી દિલ્હી તા.૦૫
વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર એક લેખ લખ્યો છે. આ બ્લોગ પોસ્ટ સોમનાથ પર ૧૦૨૬માં થયેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થવા પર છે. મોદીએ લખ્યું છે- જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ. જાન્યુઆરી ૧૦૨૬માં ગઝનીના મહમૂદે સોમનાથ પર આક્રમણ કરીને તેને ધ્વસ્ત કરી દીધું હતું. વડાપ્રધાન મોદીએ તેને સોમનાથ સ્વાભિમાન પર્વ નામ આપ્યું છે. સોમનાથ... આ શબ્દ સાંભળતા જ આપણા મન અને હૃદય ગર્વ અને આસ્થાની ભાવનાથી ભરાઈ જાય છે. ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં, પ્રભાસ પાટણ નામના સ્થળે આવેલું સોમનાથ, ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતિકરણ છે. દરમ્યાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ સોમનાથ મંદિર પર હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.૮ થી ૧૧ જાન્યુઆરી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વડાપ્રધાન મોદી ૧૧ જાન્યુઆરીએ સોમનાથ મંદિરના દર્શને આવશે અને વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ પૂજા-અર્ચના કરશે તેમ જાણવા મળેલ છે.


